ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
વઢવાણ તાલુકાના મૂળચંદ ગામમાં મહાનગરપાલિકા દ્વારા 30 દિવસથી પીવાનું પાણી પૂરું ન પડાતા હોવાની રાવ સાથે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારથી મૂળચંદ ગામ મનપામાં ભળ્યું છે, ત્યારથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં ગામ સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધાના અભાવે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારની નજીક આવેલા ગામડાઓ તેમજ છેવાડાના વિસ્તારોમાં પણ આવી સુવિધાઓ ન હોવાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડતો હોવાની રાવ ઊઠી છે. સુરેન્દ્રનગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે.
આ સાથે આસપાસના ગામોને પણ મનપામાં ભેળવી દેવાયા છે. ત્યારે વઢવાણ તાલુકાના મૂળચંદ ગામની અંદાજે 4000થી વધુની વસ્તી છે. આ ગામને પણ મનપામાં ભેળવી દેવાયા બાદ ત્યાં મનપા તંત્ર પ્રાથમિક સુવિધા આપતું ન હોવાનું ગ્રામજનોમાં રાવ ઊઠી છે. ગામમાં મહાનગરપાલિકા દ્વારા 30 દિવસથી પીવાનું પાણી પૂરું ન પડાતા મહિલાઓએ થાળી, વેલણ, વગાડી વિરોધ નોંધાવ્યો હતો. લોકો ગામના તળાવમાંથી પીવાનું પાણી ભરવા મજબૂર બન્યા છે.
4 હજારથી વધુ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. આથી પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ લોકો કરી રહ્યા છે. જો પીવાનું પાણી નહીં મળે તો મહિલા સહિત ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
થાળી-વેલણ વગાડી વિરોધ: પીવાનું પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી
