ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
સાયલાના તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓ સહિત 13 કર્મચારી ફરજ બજાવી રહ્યા છે. ત્યારે સાયલા તાલુકા પંચાયત પાસે આવેલા કર્મચારી વસાહતના 40થી 50 વર્ષ જૂના 8 કર્મચારી ક્વાર્ટસ જર્જરિત હાલતમાં છે. ભૂકંપમાં વધુ જર્જરિત બનેલા ક્વાર્ટસ કર્મચારીઓનો પરિવારને ખાલી કરાવવાની નોબત આવી છે. પરિણામે કર્મચારીઓ કરતા ક્વાર્ટસ પણ ઓછા હોવાની સાથે જર્જરિત બનતા કર્મચારીઓ ભાડાના મકાનમાં વસવાટ કરી રહ્યા છે. શહેરમાં ભાડાના મકાનની સુવિધા નહિંવત્ પ્રમાણમાં હોવાના કારણે કર્મચારીઓ જર્જરિત ક્વાર્ટસનો ઉપયોગ કરીને પોતાનું રહેઠાણ બનાવી શકે તેમ નથી. જેના કારણે કર્મચારીઓ વધુ પરેશાન બની રહ્યા છે. આ બાબતે સરકારી કવાર્ટસ જર્જરિત હાલતમાં હોવાની ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત પણ કરી છે. જર્જરિત બનેલા ક્વાર્ટસ પાસે ગંદકીના ઢગ અને મુખ્ય દરવાજો વધુ જર્જરિત હાલતમાં જોવા મળે છે. જેમાં ક્વાર્ટસના વિલાયતી નળીયા, મોભ વધુ જર્જરિત હાલતમાં હોવાના કારણે વરસાદ અને પવનના દિવસોમાં સરકારી ક્વાર્ટર ધરાશાઈ થાય તેવી સ્થિતિમાં જોવા મળે છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પણ ઉચ્ચકક્ષાએ મકાનોની હાલત અને નવિનીકરણ માટે લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ બાબતે તંત્ર દ્વારા તમામ ક્વાર્ટસ મકાનનો સરવે પણ કરવામાં આવ્યો હોવા છતાં તંત્ર કોઇ કાર્યાવાહી હાથ ન ધરતા કર્મચારીઓમાં રોષ જોવા મળે છે.
સાયલા તાલુકા પંચાયતના જર્જરિત ક્વાટર્સના નવિનીકરણ માટે રજૂઆતો પણ કોઇ ઉકેલ નહીં



