વેપારી એસો.એ પ્રાંત અધિકારી, પોલીસ અને પાલિકાના અધિકારીઓને લેખિત રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
રાજ્ય સરકારના શોપ એસ્ટાબ્લિસ્ટ અંતર્ગત શ્રમ અને રોજગાર વિભાગએ જાહેર કરેલ પરિપત્ર મુજબ નગરપાલિકા વિસ્તારમાં સવારે 6થી રાત્રિના બે વાગ્યા સુધી વેપાર ધંધા કરવા ખુલ્લા રાખવા માટે કોઈ અલાયદી મંજૂરીની જરૂર રહેતી નથી. તેવી જોગવાઈ મુજબ વેરાવળના વેપારીઓને મોડે સુધી દુકાનો ખુલ્લી રાખી વેપાર ધંધા કરવા દોની માગ સાથે વેપારી એસો.એ પ્રાંત અધિકારી, પોલીસ અને પાલીકાના અધિકારીઓને લેખીત રજૂઆત કરી છે.
વેરાવળ વેપારી એસો.ના અનિષ રાચ્છ, મુકેશ ચોલેરા સહિતનાઓ કરેલ રજુઆતમાં જણાવ્યા મુજબ હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ હોય પર્યટન તરીકે પ્રખ્યાત વેરાવળ સોમનાથ જોડીયા શહેરમાં બહારગામથી પણ પ્રવાસીઓ ફરવા આવે છે. ત્યારે શહેરનું એકમાત્ર ફરવાલાયક સ્થળ ચોપાટીને રાત્રીના તંત્ર દ્વારા વહેલું બંધ કરાવી દેવાતું હોવાથી નગરજનોમાં કચવાટની લાગણી પ્રસરી છે. પ્રવાસીઓ ઉપરાંત સ્થાનીક લોકો પણ ઉનાળાની અસહ્ય ગરમીમાં થોડી રાહત મેળવવા રાત્રિના દરીયા કિનારે પરિવાર સાથે ચોપાટીએ બેસવા જતા હોય ત્યારે ચોપાટી રાત્રિના એક વાગ્યા સુધી ખુલ્લી રાખવા જરૂરી આદેશ કરવા નગરજનોની લાગણી અને માગણી છે.
વધુમાં શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓ માટે રાજ્ય સરકારના પરીપત્ર મુજબ રાત્રિના 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાય તેવી જોગવાઈ હોવા છતાં પોલીસ વિભાગ દુકાનો વ્હેલી બંધ કરાવતી હોવાથી વેપારમાં નુકસાન થઈ રહ્યુ છે. આના કારણે લોકોને શહેરથી દૂર હાઈવે ઉપર મોડી રાત્રીના જવું પડે છે. જેથી શહેરમાં ખાણીપીણી, આઈસ્ક્રીમ, ઠંડા-પીણા, ગોલા જેવી દુકાનોને મોડીરાત્રી સુધી ખુલી રાખવા દેવા માગ છે. બીજી તરફ શહેરની મધ્યમાં આવેલ પાલિકાના ફૂડ ઝોનમાં ચા નાસ્તાની બેએક દુકાનો મોડીરાત્રી સુધી ખુલી રહેતી હોવા છતાં તેને તંત્ર બંધ કરાવતું નથી અને શહેરની બીજી દુકાનો બંધ કરાવે છે. ત્યારે પોલીસ તંત્ર આવા બેવડા ધોરણોથી વેપારીઓમાં રોષ પ્રવર્તેલ છે. ત્યારે આ બાબતે યોગ્ય આદેશ કરો તેવી માગ છે.