11 આસામીએ રૂ. 1.95 લાખ સ્થળ પર ચૂકવી દીધા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર મહાનગર પાલિકા (ઙખઈ) ના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે તગડી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, વેરો ન ભરનાર આસામીઓની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. ગઈકાલે, મનપાની ટીમે બંગડી બજાર અને છાંયા પ્લોટ વિસ્તારમાં આવેલી કુલ 15 કોમર્શિયલ મિલકતના માલિકોને નોટીસ આપીને વેરાની ચુકવણી માટે અંતિમ તક આપી હતી. વેરાની વસુલાત ઝુંબેશ દરમિયાન 11 મિલકતધારકોએ સ્થળ પર જ રૂ. 1,95,915 ભરપાઈ કરી હતી, જ્યારે 4 મિલકતધારકોએ બાકી રકમ રૂ. 89,213 ન ભરતા તેમની મિલકતો સીલ કરવામાં આવી હતી.હાઉસ ટેક્સ વિભાગે જાહેર કર્યું છે કે જો મિલકતધારકો સમયસર વેરાની ચુકવણી નહીં કરે, તો આગામી દિવસોમાં વધુ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ હજી આગળ વધશે અને બાકી વસૂલાત માટે કડક પગલાં લેવાશે. શહેરના અન્ય મિલકતધારકોને પણ સતર્ક રહેવા અને સમયસર હાઉસ ટેક્સ ભરવા અપીલ કરવામાં આવી છે, જેથી તેઓ કાયદેસર કાર્યવાહીથી બચી શકે.
- Advertisement -
મહાનગર પાલિકા દ્વારા કડક વલણ અપનાવાયું
પોરબંદર મહાનગર પાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શહેરના તમામ મિલકતધારકોને સમયાંતરે વેરાની ચૂકવણી કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમ છતાં, જે આસામી સમયસર વેરો ચૂકવી રહ્યા નથી, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.