રાજકોટ શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને ફેલાતી અટકાવવા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગની સુચનુસાર ગુજરાત રાજ્યમાં અમલી કરાયેલા નિયંત્રણોની સમયમર્યાદામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.
જે મુજબ રાજકોટ પોલીસ કમીશ્નરેટ વિસ્તારમાં દરરોજ રાત્રીના ૯:૦૦ વાગ્યાથી સવારના ૬:૦૦ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે. આ દરમ્યાન રહેવાસીઓએ કર્ફ્યું ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. વાણિજ્ય સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તથા અન્ય વ્યાપારિક કામગીરીઓ સાંજના સાત વાગ્યા સુધી રહેશે. રેસ્ટોરન્ટ સવારના ૯ થી સાંજે ૭ સુધી બેસવાની કુલ ક્ષમતાના ૫૦ ટકા સાથે ચાલુ રાખી શકાશે તથા રાત્રિના નવ કલાક સુધી ટેક-અવે ની સુવિધા સાથે તથા હોમ ડિલિવરી રાતના બાર વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જીમનેશ્યિમ ૫૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ વ્યક્તિઓ એકઠા થઈ શકશે તથા લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.
- Advertisement -
અંતિમવિધિમાં ૫૦ થી વધુ લોકો એકત્રિત થઈ શકશે નહીં. રાજકીય/ધાર્મિક/સામાજિક મેળાવડાઓ મહત્તમ ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. બાગ-બગીચાઓ અને પાર્ક સવારના ૬ થી સાંજે ૭ સુધી જાહેર જનતા માટે ખુલ્લા રાખી શકાશે. ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે કોરોનાનું પાલન કરવાની શરત સાથે ખોલી શકાશે અને એક સાથે ૫૦ થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને યોજી શકાશે. વાંચનાલયો ૫૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૬૦% પેસેન્જર ચાલુ રાખી શકાશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમત ગમત ચાલુ રાખી શકાશે.અઠવાડિક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચીંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડિટોરિયમ હોલ, એસેમ્બલી હોલ, વોટરપાર્ક, મનોરંજક સ્થળો, સ્પા, સ્વિમિંગ પુલ બંધ રહેશે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા મુસાફરોને આર.ટી.પી.સી.આર ટેસ્ટને લગતી બાબતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરવાનું રહેશે. તમામ વ્યક્તિએ ફેસ કવર, માસ્ક તથા સોશિયલ ડીસ્ટનસીંગના નિયમોનું કરવાનું રહેશે આ હુકમો શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે જારી કર્યા છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.