બિહારના દારૂ પ્રતિબંધ કાયદા પર પટના હાઇકોર્ટની ગંભીર ટિપ્પણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પટના હાઈકોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટર સામે જાહેર કરાયેલ ડિમોશન ઓર્ડરને રદ કરતા બિહારના દારૂ પ્રતિબંધ કાયદા પર ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, ’પ્રતિબંધ કાયદો બિહારમાં દારૂ અને અન્ય ગેરકાયદે સામાનની દાણચોરીને પ્રોત્સાહન આપી રહ્યો છે. બિહાર પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ એક્ટ, 2016 રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના જીવનધોરણ અને જાહેર આરોગ્યને સુધારવાના ઉદ્દેશ્ય સાથે ઘડવામાં આવ્યો હતો, પરંતુ આ કાયદો ઘણાં કારણોસર ઇતિહાસની ખોટી દિશામાં ગયો છે.’ અહેવાલો અનુસાર, 29મી ઓક્ટોબરે જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહે ચુકાદો સંભળાવ્યો હતો અને 13મી નવેમ્બરે હાઈકોર્ટની વેબસાઈટ પર ચુકાદો અપલોડ કરવામાં આવ્યો હતો. કોર્ટનો આ નિર્ણય મુકેશ કુમાર પાસવાન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યો છે.
જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહે ચુકાદામાં કહ્યું, ’પોલીસ, આબકારી, રાજ્ય વ્યાપારી કર અને પરિવહન વિભાગના અધિકારીઓ આ પ્રતિબંધને આવકારે છે કારણ કે તે તેમના માટે આવકનો સ્ત્રોત છે. દારૂની દાણચોરીમાં સામેલ મોટી વ્યક્તિઓ અથવા સિન્ડિકેટ સંચાલકો સામે બહુ ઓછી કાર્યવાહી કરવામાં આવે છે. દારૂ પીનારા કે નકલી દારૂનો ભોગ બનેલા ગરીબો સામે કેસ નોંધાય છે આ કાયદો મુખ્યત્ત્વે રાજ્યના ગરીબ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે.’
અરજદાર મુકેશ કુમાર પાસવાન પટના બાયપાસ પોલીસ સ્ટેશનમાં સ્ટેશન હાઉસ ઓફિસર તરીકે કામ કરતા હતા. તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો કારણ કે રાજ્ય આબકારી અધિકારીઓએ તેના સ્ટેશનથી લગભગ 500 મીટર દૂર દરોડો પાડ્યો હતો અને વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. તેણે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. વિભાગીય પૂછપરછ દરમિયાન તેમણે પોતાનો પક્ષ પણ રજૂ કર્યો હતો. જો કે, 24મી નવેમ્બર 2020ના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સામાન્ય આદેશ હેઠળ, તેને ડિમોશનની સજા કરવામાં આવી હતી. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે પોલીસ અધિકારીના કાર્યક્ષેત્રમાં દારૂ ઝડપાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.