તા. 19ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5500 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
રાજકોટના ત્રણ મહત્ત્વના ઓવરબ્રીજ, રાજકોટ-કાનાલુસ રેલવેના ડબલલાઈન, લાઈટ હાઉસ પ્રોજેકટ, સાયન્સ મ્યુઝિયમ, ખીરસરા જીઆઈડીસીનું લોકાર્પણ
- Advertisement -
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચૂંટણીની તૈયારીમાં જોડાય ચૂક્યા છે. અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે ત્યારે ફરી એકવખત સૌરાષ્ટ્રના પાટનગર કહેવાતા રાજકોટમાં પણ અંદાજે 5500 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે તેવું આજરોજ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
તા. 19ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટમાં આગમન થશે ત્યારે રાજકોટમાં નરેન્દ્ર મોદીનો રોડ શો અને કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કરોડોના વિકાસના કામોનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે.
જેમાં રાજકોટ-જામનગર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ થશે. આમ રાજકોટ, જામનગર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે થશે. આ સાથે મહત્ત્વના ત્રણ બ્રીજ હોસ્પિટલ ચોક, રામાપીર ચોકડી અને નાના મવા બ્રીજનું લોકાર્પણ, રીંગ રોડ પરના આવાસ યોજનાના ફલેટનું લોકાર્પણ, ગતિશીલ ટર્મીનલ, મકનસર, રાજકોટ-કાનાલુસ ડબલીંગ પ્રોજેક્ટ, સાયન્સ મ્યુઝિયમ, રાજકોટ-ગોંડલ સીકસ લેન હાઈવે અને અમૂલ પ્લાન્ટ અને ટેકનોલોજી હબ સેન્ટર (શાપર-વેરાવળ) સહિતના અનેક કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદના હસ્તે થશે. જે માટેની તૈયારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ સાથે રાજકોટમાં રોડ શો અને સભા યોજાશે. રાજકોટ આખુ મોદીમય બનશે.
- Advertisement -
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મિશન સૌરાષ્ટ્ર હાથ ધર્યુ છે ત્યારે વડાપ્રધાન મોદીના આગમન માટે કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર અને રેલવે સહિતના વિભાગના સંયુક્ત કાર્યક્રમો યોજાવાના છે. આમ તા. 19મી ઓક્ટોબરે પી.એમ. મોદી રાજકોટમાં જંગી જનસભા કરશે. સાથોસાથ વિવિધ વિભાગોના સંયુક્ત કાર્યક્રમોમાં પણ હાજરી આપશે તેવું અંતમાં કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.



