ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક્ઝિક્યુટીવ કાઉન્સિલના મેમ્બર તરીકે અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો. જયદિપસિંહ ડોડીયાની નિમણૂંક થયેલ છે. પ્રો. જયદીપસિંહ ડોડીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ, સિન્ડિકેટ, એકેડેમિક કાઉન્સિલ, બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ, બોર્ડ ઓફ એકાઉન્ટ, બોર્ડ ઓફ સ્ટડીજ ઈન ઇંગ્લિશ તેમજ રાજસ્થાનની વર્ધમાન મહાવીર યુનિવર્સિટી કોટાની એકેડેમીક કાઉન્સિલનાં સભ્ય સહીતના મહત્વના સત્તા મંડળોમાં સક્રિય સભ્ય રહી ચુક્યા છે. 2012માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી એવી આર્ટસ ફેકલ્ટીના ડીન અને અધર ધેન ડીન એમ બંને પદે સારી એવી લીડથી ચૂંટાઈને પ્રોફે. જયદીપસિંહ ડોડિયાએ વિક્રમ સર્જ્યો હતો. ઓક્ટોબર 2013માં પ્રો. ડોડીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે અલ્પ સમય માટે કરેલી યશસ્વી કામગીરી ગુજરાતનું શિક્ષણ જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવી નોંધપાત્ર રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 1998માં પ્રોફે. જયદીપસિંહ ડોડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેઓ સિન્ડીકેટ સભ્ય ( ઈ. સી. મેમ્બર) હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકજીક્યુટિવ કાઉન્સિલના સભ્ય પદે નિયુક્ત થવા બદલ પ્રો.જયદિપસિંહ ડોડીયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ડો. ઉત્પલ જોશી, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના કુલપતિ પ્રોફે. ડો પ્રતાપસિંહ ચૌહાણ, સહિતના અનેક શુભેચ્છકો, શિક્ષણવિદો અને સામાજિક સંસ્થાના અગ્રણીઓએ અઢળક શુભેચ્છાઓ પાઠવી છે.



