મહાઆરતી- લોકસાહિત્ય ડાયરાની રમઝટ બોલશે
રાજકોટ શહેરમાં યોજાનારી ઉમા જયંતીની શોભાયાત્રા નિમિત્તે ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવેલા ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉપપ્રમુખ અતુલભાઈ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઈ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઈ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઈ જીવાણી, ટ્રસ્ટી કાન્તીભાઈ કનેરીયા, રાજેશભાઈ ત્રાંબડીયા તેમજ મીડિયા ઈન્ચાર્જ રજની ગોલ નજરે પડે છે.
- Advertisement -
કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન કેમ્પ : 51 પાટીદાર યુવાનો બુલેટ સાથે શોભાયાત્રામાં જોડાશે
ખાસ-ખબર સંવાદદાતા
કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતી નિમિત્તે તા. 3-6-22 શુક્રવારના રોજ શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 21મી ઉમા જયંતીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં વહેલી સવારથી બપોર સુધીની 18 કિ.મી. લાંબી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં 51 બુલેટ, 1000 બાઈક સાથે યુવાનો 500 ટુ વ્હીલર સાથે બહેનો જોડાશે, સાંજે મહાઆરતી તેમજ લોકસાહિત્ય અને લોકગીતોની રમઝટ સાથેના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જન્મજયંતીની ઉજવણી દર વર્ષે જેઠ સુદ ચોથના દિવસે થાય છે.
આજથી વર્ષો પૂર્વે ઊંઝા ખાતે આવેલ ઉમિયા માતાજી મંદિર ખાતેથી અખંડ જ્યોત ઉમિયા માતાજી મંદિર સીદસર ખાતે લાવી પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યાંથી આ અખંડ જ્યોત પદયાત્રા દ્વારા સીદસરથી રાજકોટના શ્રી કોલોની ખાતે આવેલ પશુપતિનાથ મંદિરે બિરાજતાં શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ત્યારથી આ અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે. ઉમિયા માતાજીના જાજરમાન રથ સાથેની આ શોભાયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ ફ્લોટસ જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, યોગ, ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણ, બેટી બચાવો, ધાર્મિક પ્રસંગો જેવા વિષયો આધારિત સામાજિક સંદેશો આપતાં સુશોભીત 11 જેટલા ફ્લોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉમિયા પરિવાર સંગઠન સમિતિ અને મહિલા મંડળના સહયોગથી શહેરના 25000 પરિવારોને વોર્ડવાઈઝ નિમંત્રણ પત્રિકાનું વિતરણ થઈ રહ્યું છે.
- Advertisement -
ઉમા જયંતીની શોભાયાત્રા સવારે 7-30 કલાકે પશુપતિનાથના મંદિરથી પ્રારંભ થઈ 1-15 કલાકે શ્યામેશ્ર્વર મહાદેવ મંદિર, 1-30 કલાકે કર્ણાવટી પાર્ટી પ્લોટ ખાતે આરતી સાથે સમાપન કરાશે.
આ સમગ્ર શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થાનોએ 21 જેટલા સ્વાગત તેમજ દર્શન પોઈન્ટ રાખવામાં આવ્યા છે, જ્યાં ભાવિકો મા ઉમિયાના દર્શનનો લાભ લેશે. શોભાયાત્રા દરમિયાન ઠેર-ઠેર ચા-પાણી, શરબત, રસ, છાશનું પ્રસાદીરૂપે આપવામાં આવશે. ઉમિયા પદયાત્રીક પરિવાર દ્વારા ઉમા જયંતી નિમિત્તે કર્ણાવતી પાર્ટી પ્લોટ કાલાવાડ રોડ ખાતે મહાઆરતી તેમજ પ્રખ્યાત લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી તથા અપેક્ષા પંડ્યાનો લોકડાયરો યોજાશે.