ડિજિટલ યુગનું નવુ હાનિકારક વ્યસન: કામમાં મન નથી લાગતું, દિનચર્યાને અસર
ખાસ-ખબર સંવાદદાતા
મોબાઈલમાં રીલ કે વીડીયો જોવાનો ચસકો લોકોને ભારે પડી રહ્યો છે. આ એક નવા પ્રકારનુ વ્યસન પેદા થયુ છે તેના 60 ટકા વ્યસનીઓને અનિંદ્રા માથામાં દુ:ખાવો, માઈટ્રોન જેવી બિમારીઓ સતાવવા લાગી છે.કદાચ ઉંઘ પણ આવી ગઈ તો સપનામાં રીલ જ દેખાય છે.આ ચોંકાવનારો ખુલાસો બલરામપુર હોસ્પીટલનાં એક અભ્યાસમાં થયો છે. હોસ્પીટલના માનસીક સ્વાસ્થ્ય વિભાગે ઓપીડીમાં આવેલા 150 દર્દીઓ પર અભ્યાસ કરાયો હતો. 6 મહિનાના આ અધ્યયનમાં 10 વર્ષનાં કિશોરથી માંડીને 55 વર્ષ સુધીનાં માનસીક રોગીઓને સામેલ કરાયા હતા. તેમાં 30 મહિલા હતી. વિભાગનાં અધ્યક્ષ ડો.દેવાશીષ શુકલનું કહેવુ છે કે મોટાભાગનાં દર્દીઓએ દોઢ વર્ષથી વધુ સમય સુધી રીલ જોવાની વાત કબુલી છે.તેઓએ સવારે ઉઠયાથી રાત્રે સુતા પહેલા સુધી સોશ્યલ સાઈટ પર રીલ જોયા છે.મોટી સંખ્યામાં લોકોએ અડધા કલાકથી એક કલાક સુધી સતત રીલ જોયાની વાત કરી છે.ખાસ વાત તો એ છે કે આ દર્દીઓએ પોતાનો કોઈ વીડીયો કે રીલ શેર નહોતા કર્યા માત્ર બીજાના રીલ જોવાના વ્યસની છે.