સુપ્રીમ કોર્ટની ફૂડ ઓથોરિટી (ઋજજઅઈં)ને કડક તાકીદ: પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ, મીઠું અને ફેટની માત્રા પેકેટની આગળના ભાગે દર્શાવવી પડશે
રિસર્ચના નામે વિલંબ કરવાનું બંધ કરો; 3 સપ્તાહમાં પગલાં લેવા આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
સર્વોચ્ચ અદાલતે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા એક અત્યંત મહત્વપૂર્ણ મામલે કેન્દ્ર સરકાર અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઋજજઅઈં) ની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેંચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ફૂડ ઓથોરિટીએ મલ્ટીનેશનલ કંપનીઓના હિતોનું રક્ષણ કરવાને બદલે સામાન્ય જનતાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જોઈએ.
અદાલતે પ્રોસેસ્ડ ફૂડના પેકેટમાં આગળના ભાગે જ ચેતવણીના લેબલ લગાવવાનું ફરજિયાત કરવા આદેશ આપ્યો છે. આ નિયમ લાગુ થવાથી નાગરિકો પ્રોસેસ્ડ ફૂડમાં રહેલી ખાંડ, નમક (મીઠું), ફેટ અને કેલેરીની ચોક્કસ માત્રા વિશે માહિતગાર થઈ શકશે. કોર્ટે અવલોકન કર્યું કે લોકો શું ખાઈ રહ્યા છે તેની જાણકારી તેમને સ્પષ્ટ રીતે મળવી જોઈએ, જેથી તેઓ સ્વાસ્થ્યપ્રદ પસંદગી કરી શકે.
ઋજજઅઈં દ્વારા રિસર્ચ માટે વધુ સમય માંગવામાં આવતા અદાલતે સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે, જો ઓથોરિટી યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો કોર્ટ પોતે હસ્તક્ષેપ કરશે. ઓથોરિટીને અંતિમ ત્રણ સપ્તાહનો સમય આપતા બેંચે કહ્યું, “મલ્ટીનેશનલ કંપનીઓની ચિંતા કરવાને બદલે દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરો.” ઉલ્લેખનીય છે કે, પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડમાં ઉમેરાતા ઘટકોની માહિતી પેકેટ પર સ્પષ્ટ દર્શાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. અગાઉ ગત એપ્રિલમાં નિષ્ણાત કમિટીને આ અંગે રિપોર્ટ આપવા આદેશ કરાયો હતો. કેન્દ્ર સરકારે કોર્ટમાં સ્વીકાર્યું હતું કે, આ નિયમો અંગે 14,000 જેટલા સૂચનો મળ્યા છે અને તેના આધારે જરૂરી ફેરફારો કરવામાં આવશે. 2014થી પેકેટ પર મોટા અક્ષરોમાં વિગતો લખવાની દરખાસ્ત હોવા છતાં તેનો અમલ ન થતા હવે કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે.



