દિલ્હીમાં NDAની સંસદીય દળની બેઠકમાં સર્વાનુમતે ગઠબંધનના નેતા તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાયા હતા. જો કે ત્યાર બાદ હવે તેમના શપથગ્રહણની તારીખ સામે આવી છે.
ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપથગ્રહણની તારીખ જણાવી હતી. તેમણે કહ્યું હતું કે 9 જૂન, 2024 રવિવારના રોજ સાંજે 6 વાગ્યે આ સમારોહ યોજાશે.
- Advertisement -
વિદેશી નેતાઓને આમંત્રણ
મહત્વનું છે કે 9 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે ‘વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે.’ આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે ‘આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું.’
સંસદીય દળની બેઠકમાં નેતાઓએ કર્યુ સમર્થન
- Advertisement -
ભાજપને બહુમતી નથી મળી એટલા માટે એનડીએ ગઠબંધન હેઠળ ફરી એકવાર વડાપ્રધાન પદે મોદી બિરાજિત થવાની તૈયારી કરી રહ્યા છે. આ કડીમાં જ સંસદના સેન્ટ્રલ હોલમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા હતા. તેઓ આજે બેઠક બાદ સરકાર રચવા માટે દાવો કરી શકે છે. તેમને એનડીએ દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તમામ નેતાઓએ તેને મંજૂરી આપી હતી.
એનડીએની બેઠકમાં બિહારથી જેડીયુ લીડર તરીકે નીતીશ કુમાર અને આંધ્રપ્રદેશથી ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યા હતા. હાલમાં આ બંને કિંગમેકરની ભૂમિકામાં છે. આ બેઠકમાં એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતનરામ માંઝી જેવા અન્ય એનડીએ સહયોગીઓએ પણ હાજરી આપી હતી.