બીજી યુક્રેન પીસ સમિટ ભારતમાં યોજવી જોઈએ : ઝેલેન્સ્કી
ખાસ-ખબર ન્યૂઝ યુક્રેન, તા.29
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવામાં વડાપ્રધાન મોદી મોટી ભૂમિકા ભજવી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે બીજી યુક્રેન પીસ સમિટ નવી દિલ્હીમાં યોજાય. જો મોદી ઈચ્છે તો આ કરી શકે છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે મોદી વસતિ અને અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ખૂબ મોટા દેશના વડાપ્રધાન છે. ભારત અને મોદી કોઈપણ સંઘર્ષને રોકવામાં મોટી અસર કરી શકે છે. પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણા યોજવાની સંભાવના અંગે તેમણે કહ્યું હતું કે અલબત્ત, તેઓ આમ કરી શકે છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાએ હજારો યુક્રેનિયન બાળકોનું અપહરણ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે મોદી અમારાં બાળકોને પાછાં લાવવામાં મદદ કરે. તેઓ પુતિનને 1,000 યુક્રેનિયન બાળકો મને પાછાં આપવાનું કહી શકે છે. જો મોદી આમ કરશે તો અમે અમારાં મોટા ભાગનાં બાળકોને પાછાં લાવવામાં સફળ થઈ શકીશું. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયામાં બ્રિક્સ સમિટમાં ઘણા દેશોના નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ તેમાંથી મોટા ભાગના એવા હતા, જેમના પર પુતિન વિશ્ર્વાસ નથી કરતા. સાઉદી અરેબિયાને સંગઠનમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ જોડાયા નહોતા. પુતિન આ સમિટ દ્વારા વિશ્ર્વના મોટા ભાગને પોતાની તરફ લાવવા માગતા હતા, પરંતુ તેઓ એમ કરી શક્યા નહીં. યુએન સેક્રેટરી જનરલની બ્રિક્સ સમિટમાં ભાગ લેતી વખતે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે જો કોઈ કહે છે કે તેઓ યુક્રેન-રશિયા યુદ્ધમાં તટસ્થ છે તો એનો અર્થ એ છે કે તેઓ રશિયાની સાથે છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે તટસ્થતા માત્ર રશિયાને જ મદદ કરે છે. હુમલાખોર અને પીડિત વચ્ચે કોઈ તટસ્થતા ન હોઈ શકે. ગયા અઠવાડિયે વડાપ્રધાન મોદીએ રશિયાના કઝાન શહેરમાં 16મી બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો.
- Advertisement -
આ દરમિયાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીતમાં રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સમસ્યાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે જ થવો જોઈએ. મોદીએ કહ્યું હતું કે ભારત આવનારા સમયમાં પણ તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે રશિયાની અર્થવ્યવસ્થાને નબળી બનાવીને યુદ્ધને રોકી શકાય છે. ઘણા લોકો દલીલ કરે છે કે પ્રતિબંધોની રશિયા પર કોઈ અસર થઈ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે એની રશિયા પર થોડી તો અસર થઈ છે. જો ભારત, ચીન, તુર્કી અને અન્ય મોટા દેશો રશિયા પર પ્રતિબંધો લાદે છે તો પુતિન યુદ્ધ અટકાવવા મજબૂર થશે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો અંગે ઝેલેન્સ્કીએ કહ્યું, અમેરિકન નીતિઓ નેતાઓ બદલવાથી બદલાતી નથી. જે પણ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બનશે તેઓ યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે. જો અમેરિકાની નીતિ બદલાશે તો એ અમારા માટે મુશ્ર્કેલ બનશે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુરોપ એકલું રશિયા સામે લડવા સક્ષમ છે. એ એક શક્તિશાળી ખંડ છે. વસતિની દૃષ્ટિએ તે રશિયા કરતાં 5 ગણું મોટું છે. આર્થિક રીતે તે ડઝનેક ગણું મોટું છે. જો યુરોપ સંગઠિત રહે તો તે ખૂબ શક્તિશાળી છે. યુરોપની એકતા જાળવી રાખવી અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે યુક્રેન અને યુક્રેનિયન લોકો માટે આ ત્રીજો કઠોર શિયાળો છે. અમે લોકોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રશિયાએ અમારાં પાવર સ્ટેશનો પર હુમલો કર્યો, જેથી અમારા લોકો શિયાળો સહન ન કરી શકે. અમે અમારી ઊર્જા સિસ્ટમને સુધારવામાં વ્યસ્ત છીએ.