ચોમાસું અને દિવાળીની રજાઓ બાદ મહાપાલિકાની કામગીરી શરૂ
ડ્રેનેજ સુવિધા અને નવો રોડ બનાવવા માટે કાચા-પાકા દબાણો દૂર કરાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.13
મોરબી મહાનગરપાલિકા દ્વારા ચોમાસું અને દિવાળીની રજાઓ પૂરી થયા બાદ ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશને વેગ આપવામાં આવ્યો છે. ’વન વિક વન રોડ’ અંતર્ગત આજે મહાપાલિકાની ટીમે 2 કિલોમીટર જેટલા લાંબા ભડિયાદ રોડ પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જે સવારથી સાંજ સુધી ચાલી હતી. કમિશનર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ભડિયાદ રોડ પર ડ્રેનેજ સુવિધા ઊભી કરવા અને નવો રોડ બનાવવા માટેનું ટેન્ડર હાલમાં લાઈવ છે અને ચાલુ માસે ખૂલવાનું છે. આ રોડ નિર્માણની કામગીરી સરળતાથી શરૂ કરી શકાય તે હેતુથી દબાણ કરનાર આસામીઓને અગાઉથી જાણ કર્યા બાદ આજે તેમના કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. મહાપાલિકાની આ કડક કાર્યવાહીના કારણે શહેરના અન્ય મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.



