400 જેટલી દુકાનોના દબાણ હટાવી આશરે 105 કરોડોની સરકારી જમીન ખુલ્લી કરતાં ડે.કલેક્ટર મકવાણા
ગેરકાયદે દબાણો દૂર થતાં રસ્તો પહોળો બન્યો, શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીમાં રાહત મળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચોટીલાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં શનિવારે સવારથી વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની મેગા કામગીરી શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર મકવાણા અને મામલતદારના કાફલા દ્વારા સ્થળ પર હાજર રહીને કામગીરીની સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસ કાફલાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જેસીબી અને લોડર મશીનો દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે ચોટીલા ખાતે હજારોની સંખ્યામાં માઈભક્તો દર્શન કરવા ઉમટે છે. પણ સરકારી જમીન પર દબાણ કરી ડુંગર તરફ જતા 40 ફૂટ પહોળા રસ્તા પર દુકાનદારો દ્વારા બંને તરફથી લગભગ 10-10 ફૂટ જેટલું દબાણ કરવામાં આવ્યું હતું. જેથી રોડ સાંકળો બની ગયો હતો. જેને હટાવી યાત્રાળુઓ માટે રસ્તો મોકળો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસારચોટીલા તળેટી વિસ્તારમાં આશરે 400થી 450 દુકાનો દ્વારા પતરાના શેડ અને રોડ પર સ્ટોલ ઊભા કરી રોડને 20 ફૂટ જેટલો સાંકડો કરી દેવામાં આવ્યો હતો. પહેલા દુકાનદારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટે સમજાવટ કરવામાં આવી હતી. પણ કોઈ પગલું લેવામાં ન આવતા નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે દ્વારા ઝુંબેશ ઉપાડી દબાણ પર બુલડોઝર કાર્યવાહી કરી હતી. સ્પેશિયલ ઝુંબેશમાં આશરે 17 એકર સરકારી જમીન પર ગેરકાયદે રીતે દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની બજાર કિંમત અંદાજે 105 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતા ના પડે તેમજ શ્રદ્ધાળુઓને અવર જવર કરવા માટે 40 ફૂટ પહોળાઈનો રસ્તો રાખેલ છે. પરંતુ આ રસ્તાની બંને બાજુના દુકાનદારો દ્વારા અંદાજે 10-10 ફૂટ જેટલું ગેરકાયદે દબાણ કરી 40 ફૂટનો રસ્તો માત્ર 20 ફૂટ જેટલો સાંકડો થઈ જતા શ્રદ્ધાળુઓને દર્શનાર્થે આ રસ્તા પર પસાર થતા હાલાકી પડતી હતી. ત્યારે હવે રસ્તા પરના દબાણો દૂર થતા રસ્તો પહોળો થતા શ્રદ્ધાળુઓને પડતી મુશ્ર્કેલીમાંથી રાહત મળી છે.
જાંબાઝ અધિકારી મકવાણાની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ
સિંઘમ અધિકારી એચ ટી મકવાણાની કડક કાર્યવાહીથી ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ચોટીલા ડુંગર તળેટીમાં દબાણ કરનારાઓ પર સરકારી તંત્રએ તવાઈ બોલાવી છે. નાના પાળિયાદ અને મફતિયાપરા તરફના રસ્તાઓ પર વર્ષોથી જામી ગયેલા દબાણો પર બુલડોઝર ફરતા રસ્તાઓ હવે ખુલ્લા અને મોકળા બન્યા છે. આશરે 17 એકર જેટલી જમીન છે, તે ખુલ્લી કરી અને 105 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી.
- Advertisement -
ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાનું ‘સિંઘમ’ જેવું કામ
છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર જિલ્લો અને ખાસ તો થાનગઢ તેમજ ચોટીલા લાઇમ લાઇટમાં આવ્યું હોય તો એ છે કોલસો અને ગેરકાયદે દબાણ. 30થી વધુ વર્ષોથી થાનગઢની આસપાસના 15 કિલોમીટરમાં ગેરકાયદે ખોદકામ કરીને અબજો રૂપિયાનો કોલસો કાઢવાની પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી હતી. આ ખાણ એટલી મોટી સંખ્યામાં હતી કે ગૂગલ મેપમાં પણ ઝૂમ કરીને જોઇ શકાતી હતી. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થતાં તેમણે કડક કામગીરી કરીને આ બધું બંધ કરાવી દીધું છે. આ ઉપરાંત આ વિસ્તારમાં સરકારી જમીનોમાં થયેલા દબાણો પર પણ તેમણે બુલડોઝર ફેરવ્યું છે. આ પ્રકારે કરોડો રૂપિયાની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ છે. નિડર, નિષ્પક્ષ અને નિષ્ઠાવાન કામગીરીને કારણે એચ ટી મકવાણા હવે સિંઘમ અધિકારી તરીકે જાણીતા બની ગયા છે અને ગુજરાતભરના લોકો ઈચ્છે છે કે તેઓ તેમના વિસ્તારમાં અધિકારી તરીકે નિમણૂંક પામે અને ખનીજ માફિયાઓથી લઈ ભૂમાફિયાઓને શબક શીખવે. ઘણા લોકો અન્ય સરકારી અધિકારીઓને પણ એચ ટી મકવાણામાંથી પ્રેરણા લેવાની સલાહ આપી રહ્યા છે.



