સોશિયલ મીડિયા પેજ બનાવી પત્રકારત્વની નકલ કરનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાની પોરબંદર પત્રકારોની માંગ
જિલ્લામાં માન્ય પત્રકારોની સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરવાની સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પ્રેસ અકાદમી ગાંધીનગર તથા માહિતી ખાતા દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસની રાજ્યવ્યાપ્ત ઉજવણીના ભાગરૂપે પોરબંદર સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ પ્રેસ સેમિનાર યોજાયો હતો. ફેક ન્યૂઝ-ભ્રામક માહિતી વચ્ચે પ્રેસની વિશ્વસનીયતાનું સંરક્ષણ જેવા અત્યંત સમયસપેક્ષ વિષય પર પોરબંદરના મુખ્ય પત્રકારો, અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓએ ખુલ્લા મનથી ચર્ચા-વિમર્શ કર્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ પત્રકારોને પ્રેસ ડેની શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું કે સોશિયલ મીડિયા યુગમાં જક્કાસ ઝડપે સમાચાર આપવાની દોડ વચ્ચે સત્ય અને અસત્યની રેખા ધૂંધળી થતી જાય છે. સાચી માહિતી જન-જન સુધી પહોંચાડવા પોરબંદર મીડિયા સતત કાર્યરત છે, જે પ્રશંસાપાત્ર છે. પત્રકારત્વનું ધ્યેય સાચા તથ્યોને આધારે જનહિતની વાત રજૂ કરવાનો છે અને આ દિશામાં મીડિયા સતત જાગૃત રહે તે જરૂરી છે. કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના નાયબ માહિતી નિયામક નરેશ મહેતાએ કાર્યક્રમનું સ્વાગત અને રૂપરેખા રજૂ કરી. પ્રેસ અકાદમીના સચિવ જયેશ દવે તથા મિતેશ મોડાસિયાએ પણ પ્રેસ ડે નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. અંતે જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ દાસા કોડિયાતરે આભારવિધિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મુખ્ય પત્રકારો, તંત્રીઓ, સહતંત્રી, પ્રતિનિધિઓ અને માહિતી કચેરીના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાયબર સેલનું પ્રેઝન્ટેશન – ખોટી માહિતી સામે તકેદારી જરૂરી
પોરબંદર જિલ્લા પોલીસવડા ભગીરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા મારફતે ફેલાતી ફેક ન્યૂઝ, ખોટી માહિતી, ઓનલાઈન છેતરપિંડી અને તેના કાયદાકીય પાસાઓ અંગે માહિતીભર્યું પ્રેઝન્ટેશન રજૂ થયું હતું. પીએસઆઈ એસ.કે. જાડેજાએ કેન્દ્ર સરકારના વેરિફિકેશન પોર્ટલ, સાયબર નિયમો, આઇટી એક્ટની જોગવાઈઓ તથા ખોટી માહિતીથી થતા પ્રભાવ વિશે વિગતે સમજાવ્યું હતું. લોકજાગૃતિ અને મીડિયા-પોલીસ વચ્ચેના સંકલનની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું તેઓએ જણાવ્યું.
સાચા પત્રકારોને ઓળખવાનો સમય આવી ગયો છે – સિનિયર પત્રકાર જયેશ જોષી
સિનિયર પત્રકાર જયેશ જોષીએ પ્રેસ સેમિનારમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ફેક ન્યૂઝ અને ભ્રામક માહિતી વચ્ચે લોકો માટે સાચા પત્રકારોને ઓળખવો અત્યંત આવશ્યક બની ગયો છે. અખબારી એક્ટની જોગવાઈઓ, લાઇસન્સિંગ અને નિયમો અંગે જનજાગૃતિ વધારવી એટલી જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે પત્રકારત્વ સ્વયંભૂ વ્યવસ્થા, નૈતિક આચરણ અને વ્યવસાયિક શિસ્તથી જ મજબૂત બની શકે. પત્રકારોના નામે પાસાના આરોપી તથા બૂટલેગરો પત્રકારોના સમૂહમાં બેસતા હોય તે પત્રકારત્વ માટે શરમજનક બાબત છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રને માંગ કરી કે પોરબંદરમાં કાર્યરત સાચા અને માન્ય પત્રકારોની સત્તાવાર યાદી તૈયાર કરી જાહેર કરવી જોઈએ, જેથી ફેક મીડિયા તત્ત્વો સામે કાર્યવાહી સરળ બને અને મીડિયાની વિશ્વસનીયતા વધુ મજબૂત બને.



