ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
મોરબી શહેરમાં પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબી દ્વારા અયોધ્યાપુરી મેઇન રોડ પર આવેલ જલારામ મંદિરે ભવ્ય નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 700થી વધુ દર્દીઓએ ચેકઅપ કરાવી ફ્રી દવાઓનો લાભ લીધો હતો.
- Advertisement -
કેમ્પનો પ્રારંભ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ જયરાજભાઈ પટેલ, સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઈ બોપલિયા અને મુકેશભાઈ કુંડારીયા સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં મોરબી શહેર તથા આસપાસના ગામોમાંથી લોકો ઉમટી પડ્યા હતા.
પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબીના સભ્યો સવારથી જ મંદિરે પહોંચી સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા. રજીસ્ટ્રેશન બાદ દર્દીઓને સંબંધિત નિષ્ણાત ડોક્ટરો પાસે મોકલવામાં આવતા હતા અને તેમની તબીબી તપાસ બાદ જરૂરી દવાઓ નિ:શુલ્ક આપવામાં આવી હતી.
આ પ્રસંગે મોરબી ડીવાયએસપી ઝાલા સાહેબ, જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, ચેમ્બર ઓફ કોમર્સ અને મુસ્કાન વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ મુલાકાત લઈને આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. એસોસિયેશનના સભ્યો દ્વારા જણાવાયું કે આ પહેલું સેવાકીય આયોજન છે અને આવનારા સમયમાં પણ આવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
- Advertisement -
આ કેમ્પમાં મોરબીના જાણીતા તબીબો ડો. મેહુલ પનારા (વિઝન આંખ હોસ્પિટલ), ડો. ધીરેન પટેલ (હરિકૃષ્ણ ડેન્ટલ કેર), ડો. ભૌમિક સરડવા (એથિક્સ હોસ્પિટલ), ડો. પાચલ ફળદુ (દેવકી હોસ્પિટલ), ડો. યશ કડીવાર (વેલકેર ઓર્થો હોસ્પિટલ), ડો. જિજ્ઞાસા પનારા (વિઝન સ્કીન ક્લિનિક), ડો. ઋષિ વાંસદડિયા (સ્ટાર સર્જિકલ એન્ડ ઈમેજિંગ સેન્ટર) અને ડો. ઉમેશ ગોધવિયા (પલ્સ હોસ્પિટલ ઈંઈઞ) એ પોતાની નિ:શુલ્ક સેવા આપી હતી.
આ મેડિકલ કેમ્પને મોટી સંખ્યામાં લોકોના પ્રતિસાદ સાથે સફળતા મળી હતી અને પ્રેસ મીડિયા એસોસિયેશન-મોરબીના સભ્યોમાં સેવાભાવની નવી ઊર્જા પ્રસરી છે.



