તાલુકા સ્વાગતમાં પ્રશ્ર્ન રજૂ કર્યા બાદ નિંભર પાલિકાના હવાતિયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
ધ્રાંગધ્રા શહેરની ડોકટર હાઉસ હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી બી યુ પરમિશન વગર ધમધમતી હોવા છતાં સ્થાનિક નગરપાલિકા ડોકટર હાઉસ હોસ્પિટલ અને તેના સંચાલકને છાવરતી હોવાનું નજરે પડે છે. જેમાં ડોકટર હાઉસ હોસ્પિટલ બી યુ પરમિશન વગર ગેરકાયદેસર ચાલતી હોવા અંગે આઠેક મહિના પૂર્વે પણ તાલુકા સ્વાગતમાં પ્રશ્ન રજૂ કર્યો હતો જે બાદ પણ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી નહીં કરતા અંતે મે 2025માં ફરીથી આ પ્રશ્ન ધ્રાંગધ્રા ખાતે તાલુકા સ્વાગતમાં પ્રશ્ન રજૂ કર્યો હતો જેમાં પ્રાંત અધિકારી દ્વારા નગરપાલિકા તરફથી ટાઉન પ્લાનિંગ કમિટીના જેટીપીઓને એક અઠવાડિયામાં હોસ્પિટલ શીલ કરવા આદેશ આપ્યા હતા પરંતુ નિંભર જેટીપીઓ દ્વારા પ્રાંત અધિકારીના આદેશનું પણ અનાદર કરી નાટ્યાત્મક રૂપી નોટિસ ફટકારી હોસ્પિટલ સંચાલકને વધુ વીસ દિવસનો સમય આપ્યો હતો જે બાદ જૂન 2025માં પણ વધુ એક વખત હોસ્પિટલના બી યુ પરમિશન અંગે પ્રશ્ન રજૂ કરતા આ વખતે હાજર જેટીપીઓ દ્વારા દસ્તાવેજી પુરાવા તપાસવા માટે મામલતદાર પાસે સાત દિવસની સમય મર્યાદા માંગી હતી..
- Advertisement -
જોકે કામચોર અને વહીવટી શાસન થકી ચાલતી નગરપાલિકાના વહીવટી જેટીપીઓ દ્વારા ડોકટર હાઉસ હોસ્પિટલ સામે કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરાયો હતો. આ તરફ અહીં બી યુ પ્રમોશન વગર ધમધમતી હોસ્પિટલ સામે નગરપાલિકાનું નિંભર તંત્ર કાર્યવાહી કરતું નહીં હોવાના લીધે પાલિકા જ સંચાલકના ઘૂંટણિયે બેઠું હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ત્યારે હાલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતા હવે નગરપાલિકાને રેલો આવશે કે પછી જિલ્લા કલેક્ટરના આદેશને પણ નગરપાલિકા અને ટાઉન પ્લાનિંગ કમીટીના જેટીપીઓ એક,બે સાડા ત્રણ રાખશે ? તે જોવું રહ્યું