પોલીસે નોટિસ પાઠવી જામીન મુક્ત કરતાં સમર્થકોએ કર્યું જબરું સન્માન
બાર એસોસિએશન દ્વારા પીઆઇ વતી વકીલ નહીં રોકવાનો ઠરાવ રદ્દ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલા કરવાના કેસમાં છેલ્લા 7 દિવસથી ફરાર જૂનાગઢ નજીક આવેલા ચોકીના પોલીસ ઈન્સ્પેક્ટર સંજય પાદરિયા સોમવારે રાત્રિના એસીપી ચૌધરી સમક્ષ હાજર થયા હતા. પાદરિયા સામેની ખૂની હુમલાની કલમ હટાવી લેવાનો કોર્ટમાં રિપોર્ટ કરી દેવાયા બાદ આ કેસમાં 7 વર્ષની જ સજાની જોગવાઈ હોવાથી નિયમ મુજબ નોટિસ આપી પીઆઈને જામીન પર મુક્ત કરાયા હતા. સાત દિવસ બાદ પી.આઈ સંજય પાદરિયા પોતાના ઘરે પહોંચતા સમર્થકો અને પાડોશીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ બાર એસોસિએશનના સત્તાધીશોએ પાટીદાર સમાજના આગેવાન અને સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને પી.આઇ. સંજય પાદરિયા વચ્ચેની માથાકૂટમાં ‘પાદરિયાના વકીલ કોઇએ રહેવું નહી’ તેવા ઉતાવળમાં કરેલો ઠરાવ રદ કરવો પડ્યો છે.
- Advertisement -
શહેરના 100થી વધુ વકીલોએ જયંતી સરધારા વકીલાત કરતાં ન હોવાના અને ઉદ્યોગપતિ હોવાના પુરાવા આપતા અંતે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ સોમવારે બપોરે તાકીદની કારોબારી સમિતિની બેઠક બોલાવી અગાઉ કરેલો ઠરાવ રદ કરવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.
સરધારધામના વાઇસ પ્રેસીડેન્ટ અને અગ્રણી ઉદ્યોગપતિ જયંતિ સરધારા પર PI પાદરીયા દ્વારા થયેલા હુમલા બાબતે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યાલય ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય અને સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટ તેમજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિતને એક પત્રમાં આ સમગ્ર હુમલાની તપાસ નિષ્પક્ષ અને ન્યાય થાય એવી માંગણી સાથે પત્ર પાઠવીને ગુજરાતમાં રક્ષક ગણાતા પોલીસ અધિકારી ભક્ષક જેવું વર્તન કરે છે તેની સામે ગંભીર પ્રશ્ર્નો ઉઠાવ્યા છે જો તેની સામે લાગેલી હત્યાની કોશિષની કલમ રદ થશે તો પોતે આમરણાંત ઉપવાસ ઉપસ બેસીને વિરોધ નોંધાવશે તેવું પણ સરધારાએ જણાવ્યું હતું