અગાઉના વ્યુહમાં ફેરફાર: હાલ સેન્ટ્રલ બેન્ક-આઈઓબીને ‘હાથ’ નહી અડાડાયનાની: સરકારી બેન્કોના નફા વધ્યા; એનપીએ ઘટતા વધુ સારી શેર-વેલ્યુ મળવાનો અંદાજ
ખાસ-ખબર સંવાદદાતા
દેશની રાષ્ટ્રીયકૃત બેન્કોની કુલ સંખ્યા 5-6 રાખીને અન્ય સરકારી બેન્કોના ખાનગીકરણનો હવે બીજો તબકકો શરૂ થયો છે અને આ માટે એક ખાસ કમીટી ભલામણ આપવા જણાવ્યું છે. છેલ્લા બે વર્ષમાં સરકારી બેન્કોની બેડલોન સહિતની એનપીએની સ્થિતિ સુધરી છે અને ઉંચા પ્રોવિઝનના કારણે બેન્કોને જે નફામાં ઘટાડો થયો હતો તે સ્થિતિનો અંત આવીને હવે રાષ્ટ્રીયકૃત બેન્કો ફરી તેના સારા બેલેન્સશીટ સાથે નફો વધારી રહી છે. જેના કારણે બેન્કોના વેલ્યુએશનમાં પણ વધારો થયો છે.
જો કે અગાઉ સરકારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા અને ઈન્ડીયન ઓવરસીઝ બેન્કના ખાનગીકરણની તૈયારી કરી હતી પણ કોવિડ સહિતના કારણો તથા યુક્રેન યુદ્ધ વિ.ની જે અર્થતંત્ર તથા શેરબજાર પર અસર પડી હતી તેથી સરકારે આ ખાનગીકરણની પ્રક્રિયા સંભાળી દેવામાં આવી હતી પણ હવે સરકાર પુરી રીતે બેન્કોના ખાનગીકરણની પ્રક્રિયાએ આગળ વધવા માંગે છે અને જે બેન્કો શોર્ટલીસ્ટેડ થશે તેની કેટલી મુડી કયારે અને કેટલા તબકકામાં વેચવી તેનો એક સમયબદ્ધ કાર્યક્રમ પણ ઘડી કઢાશે.
નાણાવિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ બેન્કોનું ખાનગીકરણ એ હવે સરકારના અગ્રતાના એજન્ડામાં છે પણ હવે ફોકસ નાની સરકારી બેન્કો જેમકે બેન્ક ઓફ મહારાષ્ટ્ર યુકો બેન્ક પર ધ્યાન કેન્દ્રીત કરાશે. સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક કે પછી બેન્ક ઓફ બરોડાને આ એજન્ડામાંથી બહાર રખાઈ છે. સરકારે બેન્કોના ખાનગીકરણમાં થોડો પ્રશ્ન સર્જતી કાનુની જોગવાઈઓ પણ સુધારવા એક ખરડો તૈયાર રાખ્યો છે જે હવે ચોમાસુ સત્રમાં રજુ કરી શકે છે.
જો કે અગાઉ આઈડીબીઆઈના સરકાર હસ્તકના શેરોનું વેચાણ કરી તેને પૂર્ણ રીતે ખાનગીકરણની તૈયારી છે.2021માં નીતિ આયોગે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડીયા અને ઈન્ડીયન ઓવરસીઝ બેન્કના ખાનગીકરણની ભલામણ કરી હતી પરંતુ આ બંને બેંકોમાં અન્ય નાની બેંકો ભેળવી દેવાતા હાલ તેનું કદ વધ્યુ છે અને તેથી સરકાર તેમાં હાલ આગળ વધવાને બદલે મીડ સાઈઝ અને નાની સરકારી બેન્કો પર નજર કરી રહી છે. જાહેર ક્ષેત્રની બેંકોનો નફો રૂા.1 લાખ કરોડ થયો છે અને તેથી પંજાબ અને સિંધ બેંક પણ આ સ્પર્ધામાં છે.
UCO-બેન્ક ઓફ મહારાષ્ટ્રનું ખાનગીકરણ કરવા તૈયારી
