મહાવદ નોમ 5 માર્ચથી ચાર દિવસ મેળો ચાલશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આધ્યાત્મિક મહત્વ ધરાવતા અને પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો મહાવદ નોમ અને તા.5મી માર્ચથી પ્રારંભ થશે. ત્યારે કલેકટરના માર્ગદર્શન અને નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે.
મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજે કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહાશિવરાત્રીના મેળામાં પધારનાર ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો મેળામાં મોટી સંખ્યામાં ઉમટનાર ભાવિકો માટે પીવાના પાણી, સ્વચ્છતા, માર્ગ મરામત પરિવહન, ફાયર સેફટી, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ અને વ્યવસ્થા કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.સેવાભાવી સંસ્થાઓ અને ઉતારા મંડળ સાથે પણ જરૂરી સુવિધા ઉભી કરવા અને સ્વચ્છતા સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંકલન કરવા પણ નિર્દેશ આપ્યા હતા. ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ વિઝીટ કરીને જરૂરી આયોજન કરવા પણ સૂચના આપી હતી.