ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.01
માધવપુર ઘેડના મેળામાં કલાકારો સાંસ્કૃતિ કૃતિઓ રજૂ કરશે; દ્વારકામાં પણ કાર્યક્રમનું આયોજન આ વર્ષે પણ ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલા માધવપુર અને દ્વારકાના ભાવનાત્મક-સાંસ્કૃતિક જોડાણને ઉજાગર કરાશે પરંપરા અને પ્રોટોકોલ જાળવી રાખીને માધવપુરના મેળામાં આવશ્યક સેવાઓ અને લોક સગવડતા સાથે આયોજન કરવામાં આવશે ભગવાન કૃષ્ણના વિવાહ સ્થળ માધવપુર ઘેડ ખાતે યોજાનાર લોકમેળાની વિવિધ વ્યવસ્થાઓ અને આયોજનને આખરી ઓપ આપવા આજે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારના માર્ગદર્શન હેઠળ પોરબંદર કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને માધવપુર ઘેડના મેળા અંતર્ગત બનાવાયેલ વિવિધ સમિતિઓના મુખ્ય અધિકારીઓની બેઠક સેવા સદન-1 ખાતે મળી હતી. અગ્ર સચિવ અશ્વિની કુમારે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી લોક પરંપરા સાંસ્કૃતિક સમન્વય, આવશ્યક સેવાઓ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. માધવપુર ઘેડ ખાતે આગામી તારીખ 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી લોકમેળો યોજવાનો છે. પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના સાંસ્કૃતિક જોડાણ સાથે માધવપુરની વિરાસત જોડાયેલી છે. બે સંસ્કૃતિને તાતણે બાંધતો આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની સાંસ્કૃતિક વિરાસતને પણ ઉજાગર કરે છે. ચાલુ વર્ષે 2024ના લોકમેળામાં મૂળ પરંપરાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત પ્રોટોકોલ જાળવીને વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવશે.
- Advertisement -
આ વર્ષે પણ ઉત્તરપૂર્વ રાજ્યના કેટલાક ગ્રુપ અને સ્થાનિક કલાકારો માધવપુર અને દ્વારકામાં સ્ટેજ પરફોર્મન્સ આપે તેવું આયોજન થઈ રહ્યું છે. રાજ્યકક્ષાએથી સંબંધિત વિભાગો દ્વારકા અને પોરબંદરના જિલ્લા પ્રશાસન સાથે યાત્રિકોની આવશ્યક સેવાઓના અનુસંધાને સંકલન કરી રહ્યું છે. લોકોને પીવાના પાણી, સ્વચ્છતા, આરોગ્ય લક્ષી સુવિધા, અવરજવરમાં અનુકૂળતા, સલામતી સુરક્ષાની સાથોસાથ બંદોબસ્ત, પાર્કિંગ, કોમ્યુનિકેશન સહિતની સગવડતા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે દ્વારકા જિલ્લાના કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પ્રશાસન આવશ્યક સુવિધાઓ અંગે સંકલન કરી રહ્યું છે. માધવપુર ઘેડના આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્ર્મ તેમજ વિવિધ રમતો અને કૌશલ્ય, પરફોર્મન્સ સહિતના કાર્યક્રમ પ્રોટોકોલને ધ્યાને રાખીને આયોજિત કરાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર આર.એ. રાયજાદા, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત વિવિધ સમિતિના મુખ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.