ભાવિકોમાં ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરો ઉત્સાહ: જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેનો દોડશે: એસ.ટી. દ્વારા વધારાની બસોની વ્યવસ્થા હાથ ધરાઇ: પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા
વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આગામી સોમવાર તા. 26 ના રોજ ભગવાન શ્રીકૃષ્ણના 5251 માં જન્મોત્સવને મનાવવા કૃષ્ણ ભક્તો સાથે તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહયો છે.
- Advertisement -
જન્માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા આવે છે. આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાધામ દ્વારકામાં આવે તેવી સંભાવના જોતાં રેલવે વિભાગ દ્વારા યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેનો પણ દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષીને ચોકકસ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.
જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું આ જગતમંદિર જોઈ શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિલાયન્સના સહયોગથી મુંબઈના જેમિની ગૃપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે. રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા. 26 મી એ રાત્રે 8 વાગ્યાથી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ નામના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજા, ધારાસભ્ય પબુભા માણેક તથા હેમંતભાઈ ખવા પણ ઉપસ્થિત રહેનાર છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે. જગતમંદિરને સાંકળતા મુખ્ય રસ્તાઓ ઉપરાંત વ્યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના અન્ય રસ્તાઓને પણ યાત્રિકોની સુવિધા માટે રીપેરીંગ કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત નગરપાલીકા દ્વારા શહેરમાં બિમારી ફેલાવતા માખી-મચ્છરનો ઉપદ્રવ દૂર કરવા દવાઓનો છંટકાવ કરાઈ રહયો છે.
- Advertisement -
આ ઉપરાંત નગરપાલીકાની ફુડ શાખા દ્વારા પણ હોટલ – રેસ્ટોરાં, ખાણીપીણીની દુકાનો, લારીઓનું ચેકીંગ કાર્ય હાથ ધરાયું છે અને અખાદ્ય જથ્થાનો નાશ કરાઈ રહયો છે. આ ઉપરાંત યાત્રિકોની સુવિધા માટે જગતમંદિરની બહાર આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરી દેવાયું છે. યાત્રાધામની મુલાકાતે આવતા યાત્રીકો માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઠેર-ઠેર ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જયાં દ્વારકા તરફ આવતાં વાહનોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફીક અંગેના જાહેરનામા અંગે બંદોબસ્ત વધારી, બેરીકેટીંગ કરીને ટ્રાફીક શાખાના મુખ્ય અધિકારીના માર્ગદર્શનમાં ટ્રાફીક શાખાના જવાનો ચુસ્તતાપૂર્ણ કામગીરી દાખવી રહ્યા છે.
જન્માષ્ટમી પર્વે યાત્રાધામના પ્રમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષા માટે મુખ્ય અધિકારીઓના માર્ગદર્શન મુજબ આશરે 1200 જેટલાં જવાનો ફરજ પર રહેનાર છે. એસ.પી. નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તથા સાગર રાઠોડની દેખરેખમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા આયોજીત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત “દ્વારકા ઉત્સવ” નું આયોજન આગામી સોમવાર તારીખ 26 ના રોજ રાત્રે 8 વાગ્યાથી સ્વામિનારાયણ મંદિર પાછળ, નગરપાલિકા ગ્રાઉન્ડ, દ્વારકા ખાતે યોજાશે.