ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતીકાલે તા. 2ને બુધવારના રોજ પરશુરામ યુવા સંસ્થાનના આદ્યસ્થાપક અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે કાલાવાડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી સભાગૃહમાં યોજાશે ભવ્યાતિભવ્ય પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ. આવતીકાલે પરશુરામ યુવા સંસ્થા રાજકોટના ઉપક્રમે વિવિધ ક્ષેત્રે મુઠ્ઠીભરનું સમાજ પ્રત્યેનું યોગદાન આપનાર પાંચ ભૂદેવોને પરશુરામ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં પરશુરામ યુવા સંસ્થાન દ્વારા વિવિધ સ્તરની આયોજન બેઠકો પણ યોજાઈ ગઈ છે. સંસ્થાન દ્વારા બ્રહ્મસમાજના વિવિધ તડગોળની, બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓની અને બ્રાહ્મણ વકીલોની મીટીંગ યોજાઈ ગઈ, જેમાં તમામ સંસ્થાઓના તથા બ્રહ્મસમાજના વિવિધ તડગોળના વડાઓએ અને બ્રહ્મસમાજના સિનિયર વકીલોએ અભયભાઈના કાર્યક્રમને સફળ બનાવવા હાકલ કરી છે. પરશુરામ યુવા સંસ્થાન દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના તમામ બ્રહ્મપરિવારોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. અભયભાઈનો કાર્યક્રમ હોવાથી અભયભાઈના સમાજ પ્રત્યેનું યોગદાનને ધ્યાને લઈને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવતીકાલે ભૂદેવો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પધારી કાર્યક્રમની શોભા વધારશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો તથા સત પુરણધામ ધુનડા આશ્રમ, ભુવનેશ્ર્વરી પીઠ ગોંડલ અને કાળભૈરવ મંદિર પાલીતાણાના મહંત ઉપસ્થિત રહેશે.
આ તકે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા કાર્યક્રમના સંદર્ભમાં વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંસ્થાન દ્વારા કાર્યક્રમમાં વિશેષરૂપે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમને અનુરૂપ સમારોહની વ્યવસ્થા આયોજિત કરવામાં આવી છે. સાથે જ આ વર્ષ સંપૂર્ણ કાર્યક્રમની થીમ વ્યસનમુક્તિના સંદેશથી સુશોભીત કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા અંશભાઈ ભારદ્વાજ દ્વારા કાર્યકર્તાઓને વ્યવસ્થા સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. કાર્યક્રમમાં બ્રહ્મપરિવારોને પરિવાર સમેત પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.



