રાજકોટમાં 11મી જૂને ભગવાન જગન્નાથની જળયાત્રા: 108 કળશધારી બાળાઓ જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
27 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મહોત્સવની વિધિવત શરૂઆત જેઠ સુદ પુનમના દિવસે જળયાત્રાથી થાય છે. રાજકોટમાં નાના મવા ખાતે આવેલ જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ તા. 11-6-2025 ને બુધવારના રોજ ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
જેમાં 108 કળશધારી બાળાઓ વાજતે-ગાજતે નાના મવા ગામના કુવે પાણી ભરવા માટે જશે, જે પાણી અને કેશર ચંદનથી મંદિરના પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરાવવામાં આવશે. આ જળયાત્રામાં બાળાઓ-બહેનો, સાધુ-સંતો અને ભક્તજનો જોડાશે. ધાર્મિક પરંપરા મુજબ ભગવાન ભક્તોના દુ:ખ હરનારા જગતના નાથને પણ શરદી થઈ જતી હોય તેના ઈલાજ કરવા માટે આ સ્નાન વિધિ કરવામાં આવતી હોય છે. દૂધ, કેશર અને 108 ઘડા જળથી સ્નાન કરાવ્યા બાદ નિજમંદિરમાં પરત લાવવામાં આવે છે. દર વર્ષે પોલીસ કમિશનરના હસ્તે મહાઅભિષેક કરવામાં આવતો હોય આ વર્ષે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાના હસ્તે આ અભિષેક વિધિ કરવામાં આવશે.
આ જળયાત્રા અને અભિષેક વિધિમાં ભક્તજનોને જોડાવા જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી ગુરુ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.



