મતદાન વધારવા ‘સ્વીપ’ હેઠળ કાર્યક્રમો હાથ ધરવાની ECIની સૂચના
અન્ય 4 રાજ્યો તથા 1 કેન્દ્રશાસિત પ્રદેશની પણ સમીક્ષા થઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, ગોવા તથા દીવ-દમણ-દાદરા નગર હવેલીમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે શુક્રવારે અમદાવાદમાં કેન્દ્રીય ચૂંટણીપંચે કોન્ફરન્સ યોજી હતી. કેન્દ્રીય નાયબ ચૂંટણી અધિકારીઓ સ્તરની આ સમીક્ષા પરિષદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, મતદાર નોંધણી, મતદાન મથકો ઉપર પ્રાથમિક સુવિધાઓ, માનવબળની જરૂરિયાત જેવા વિવિધ વિષય ઉપર રાજ્યવાર ચર્ચા થઈ હતી.
ગુજરાત તરફથી ચૂંટણીની તૈયારીઓ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર સમશેરસિંહ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન થયું હતું. તેવી જ રીતે, બાકીના ચાર રાજ્યોના તથા એક કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓ અને પોલીસ નોડલ ઑફિસરો દ્વારા તૈયારીઓની વિગતો આપવામાં આવી હતી.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી પાર પડેલા ઇવીએમ મશીનોના ફર્સ્ટ લેવલ ચેકિંગ તથા રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિગતો ચૂંટણી પંચને આપવામાં આવી હતી.
નાયબ ચૂંટણી કમિશનરો- ધર્મેન્દ્ર શર્મા, નિતેશ વ્યાસ, અજય ભાદુ તથા મનોજકુમાર સાહુ, મહાનિર્દેશક ડો. નીતા વર્મા, નિયામક દીપાલી માસિરકર તથા મુખ્ય અગ્રસચિવ એન.એન. બુટોલિયા આ સમીક્ષા બેઠકમાં હાજર હતા. જેમણે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, મતદાન વધારવા માટે તૂયયા હેઠળ કાર્યક્રમો હાથ ધરવા, વિવિધ આઇટી એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરવા ચૂંટણી પ્રક્રિયા સાથે તથા ચૂંટણી ખર્ચ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અધિકારીઓ તથા સ્ટાફને તાલીમ આપવા જણાવ્યું હતું.