વિજપોલ, ટ્રાફિક સિગ્નલ, સરકારી ઈમારતો બનશે ફાઈવ-જી કેરીયર્સ
સ્મોલ-સેલ ટેકનોલોજી મારફત ફાઈવ-જી વેવ્ઝ ગીચ ક્ષેત્રથી ગ્રામીણ ક્ષેત્રમાં પહોંચાડવા ‘સ્ટ્રીટ-ફર્નિચર’નો ઉપયોગ થશે
- Advertisement -
દેશમાં હવે દિપાવલી સુધીમાં મેટ્રોની કેટેગરીમાં આવતા 15 મોટા મહાનગરોમાં ટેલીકોમ સેવા માટે ફાઈવ-જી સેવાનો પ્રારંભ થશે પણ હવે કેન્દ્ર સરકાર તેમાં એક ડગલું આગળ વધીને આ 15 મેટ્રો સીટી ઉપરાંત દેશમાં એક ગ્રામીણ કક્ષાએ ફાઈવ-જી સેવા ઉપલબ્ધ બને તેવા પ્રયાસો માટે સ્મોલ-સેલ-ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવા પણ આગળ વધી રહી છે અને ખાસ કરીને ગુજરાત સરકાર તેમાં પહેલ કરશે. કેન્દ્ર સરકારે દેશના તમામ રાજયોને 2024 સુધીમાં છેક ગ્રામીણ કક્ષાએ ફાઈવ-જી વેવ્ઝ મળે તે માટે સંભવિત ફાઈવ-જી કેરીયર્સની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.
જેમાં દરેક વિજપોલ, બસ શેલ્ટર, ટ્રાફિક સિગ્નલ પોલ, તમામ સરકારી અને અર્ધ સરકારી ઈમારતો વિ.માં આ સ્મોલ-સેલ-ટેકનોલોજીની ફાઈવ-જી વેવ્ઝ પહોંચે તેની શકયતા ચકાસણી શરૂ કરશે. કેન્દ્ર સરકારના ગતિશક્તિ-લોજીસ્ટીક ડિવિઝન ઉપરાંત ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ અને ઈન્ટરનેશનલ ટ્રેડ દ્વારા ટેલીકોમ કંપનીઓ ઉપરાંત ડેટા લેયર માટે માસ્ટરપ્લાન બનાવવા સૂચના આપી છે અને ટેલીકોમ મંત્રાલયની મંત્રીજૂથની બેઠકમાં પણ તેને મંજુરી અપાઈ છે. ભારતમાં વિશાળ વિસ્તાર અને ગીચ વસતિના કારણે સ્મોલ-સેલ ટેકનોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ એક પોર્ટેબલ ટેકનોલોજી છે અને તે વિજ વપરાશ પણ ખૂબ જ ઓછો કરે છે અને તે મોબાઈલના ટાવર્સથી લઈને અન્ય બેઝ સ્ટેશનથી ફાઈવ-જી વેવ્ઝને થોડાસો મીટર સુધી આગળ ફેલાવે છે.
ખાસ કરીને ટુંકા અંતરમાં ખૂબ જ સારૂ કવરેજ પુરુ પાડે છે અને તેથી જયાં વિજ પુરવઠો ઉપલબ્ધ હોય ત્યાં એટલે કે વિજ થાંભલા, ટ્રાફિક સિગ્નલ મોલ, બસ ટર્મીનલ વિ. સ્થળોએ આ ટેકનોલોજીથી કવરેજ પુરી પાડી શકાશે. ખાસ કરીને શાળાઓ, કોલેજો કે ઓફિસ બિલ્ડીંગ વિ.માં આ ટેકનોલોજીથી ફાઈવ-જી કવરેજ વધારી શકશે તો સ્ટ્રીટ-ફર્નીચર એટલે કે વિજ થાંભલાઓ તથા ટ્રાફિક સિગ્નલમાં આ ટેકનોલોજીથી ફાઈવ-જી- રોલઆઉટ ઝડપી બનશે. ગુજરાત સ્થિત ભાસ્કરાચાર્ય ઈન્સ્ટીટયુટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીયોઈન્ફોમેટ્રીકસ દ્વારા ગુજરાત સરકારને આ માટે ડીજીટલ-મેપીંગ કરી આપશે. આ ઉપરાંત ટેલીકોમ વિભાગે હવે ફાઈવ-જી સહિતના ટેલીકોમ વેવ્ઝને છેવાડા સુધી પહોંચાડવા રાઈટ-વે રૂલ્સ 2016માં સુધારો કર્યો છે જેથી ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ વિજ પોલ કે તેવી સરકારી સુવિધાને વાર્ષિક સાવ મામુલી ભાગથી ઉપયોગ કરી શકે છે અને તેના અમલ માટે સિંગલ વિન્ડો સીસ્ટમ પણ અમલમાં મુકાશે.