ચાલુ માસના અંતથી પ્રારંભ: પૂર્ણ બજેટની કવાયતમાં જીએસટી કાઉન્સીલ સમયે રાજ્યોના નાણામંત્રીઓને પણ સામેલ કરાશે
દેશમાં યોજાય રહેલ ધારાસભા ચૂંટણીની સાથોસાથ કેન્દ્ર સરકાર હવે 2023-24ની બજેટની પણ તૈયારી શરુ કરી છે અને નાણા મંત્રાલય હવે ચાલુ માસના ત્રીજા સપ્તાહથી ઉદ્યોગ, વ્યાપાર, કૃષિ સહિતના ક્ષેત્રોના અગ્રણીઓ સાથે બેઠકોનો દોર શરુ કરશે.
- Advertisement -
સીતારામન દ્વારા આ માટે અલગ અલગ આઠ બેઠકો યોજવા નિર્ણય લેવાયો છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા પર્યાવરણ, નાણાકીય ક્ષેત્ર, શેરબજાર, સર્વિસ ક્ષેત્ર,સામાજિક ક્ષેત્ર તેમજ કામદાર સંગઠનો અને અર્થશાસ્ત્રીઓ તથા રાજ્યોના નાણામંત્રીઓ સાથે બેઠકો યોજશે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ નવેમ્બરના અંતથી ડીસેમ્બરના પ્રથમ પખવાડીયા દરમિયાન યોજશે.
આ ઉપરાંત રાજ્યોના નાણામંત્રીઓ સાથેની બેઠક જીએસટી કાઉન્સીલની બેઠક સાથે જ યોજાશે જેનાથી રાજ્યોના નાણામંત્રીઓને વારંવાર દિલ્હીના પ્રવાસની આવશ્યકતા ન રહે. નાણામંત્રીએ ચાલુ માસના પ્રારંભથી જ બજેટ તૈયારીઓ શરુ કરી દીધી છે અને હાલ તમામ વિભાગો પાસેથી તેમના ચાલુ વર્ષના બજેટ અને આગામી વર્ષની આવશ્યકતા આ અંગે એક સર્વગ્રાહી રિપોર્ટ આપવા જણાવાયું છે.
2024ની લોકસભા પૂર્વેનું આ આખરી પૂર્ણ બજેટ હશે અને તા. 1 ફેબ્રુઆરીના તે રજૂ થશે. 2024માં મે માસમાં લોકસભા ચૂંટણીઓ યોજાવાની હોવાથી તે સમયે ફક્ત લેખાનુદાન જ રજૂ કરવાની પરંપરા છે અને તેથી જ આગામી વર્ષનું બજેટ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
- Advertisement -