ખાસ-ખબર સંવાદદાતા
અંબિકા ભોજનાલય ખાતે ગુરુવારે સવારે મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી અંતર્ગત 3250 કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું દેશનું 51 શક્તિપીઠ પૈકીનું આદ્ય શક્તિપીઠ તરીકે તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમા 3 માર્ચથી મોહનથાળ પ્રસાદ બંદ થવાથી માઇ ભક્તોની લાગણી ભારે દુભાઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા 14 માર્ચના રોજ ગાંધીનગર ખાતેથી જાહેરાત કરવામાં આવી હતી કે અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદ સાથે મોહનથાળ નો પ્રસાદ પણ ભક્તોને મળશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ભેટ કાઉન્ટર ઉપર આજે સવારે અંદાજે 13000 પેકેટ વેચાણ માટે આવ્યા હતા.