ભારતના બેડમિન્ટન ખેલાડી પ્રણયે વિશ્ર્વના બીજા ક્રમના કેન્ટો મોમોટાને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સનસનીખેજ જીત હાંસલ કરી છે. જ્યારે કૉમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન લક્ષ્ય સેને પણ મેન્સ સિંગલ્સના પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. ક્રમાંક વગરના પ્રણયે ધારણા કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કરના દર્શકોના અત્યંત પસંદગીના અને બે વખતના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન મોમોટાને બીજા રાઉન્ડના મુકાબલામાં 21-17, 21-6થી પરાજિત કર્યો છે. પ્રણયની મોમોટા ઉપર આઠ મેચની આ પહેલી જીત છે. પાછલી ટક્કરમાં ભારતીય ખેલાડી જાપાની ખેલાડી સામે માત્ર એક જ ગેમ જીતી શક્યો હતો.
આ પહેલાં લક્ષ્ય સેને સ્પેનના લુઈસ પેનાવેર સામે 72 મિનિયમાં 21-17, 21-10થી જીત મેળવી હતી. પ્રણય અને લક્ષ્ય સેન અંતિમ-16 મુકાબલામાં આવતીકાલે એકબીજા સામે ટકરાશે. પ્રણયે મેચ બાદ કહ્યું કે જાપાની ખેલાડી વિરુદ્ધ રેકોર્ડ એટલો શાનદાર નહોતો એટલા માટે ટોચના સ્તરના ખેલાડી સામે જીતવું હંમેશા મુશ્કેલ હોય છે. જો કે મેં રણનીતિ પ્રમાણે રમત રમી અને તેમાં હું સફળ થયો છું. ભારતના થૉમસ કપ જીતના નાયક રહેલા પ્રણયે કહ્યું કે તેણે પોતાની સર્વશ્રેષ્ઠ રમત રમી નથી આમ છતાં જીત તો જીત જ હોય છે. જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને બીજી ગેમમાં પણ પોતાના હરિફ ખેલાડીને વાપસી કરવા દીધી નહોતી.
- Advertisement -
ભારત માટે નિરાશાની વાત એ પણ રહી કે દુનિયાના 32મા નંબરના ખેલાડી પેંગે શ્રીકાંતને 21-18, 21-17થી હાર આપી છે. માત્ર 34 મિનિટ ચાલેલા આ મુકાબલામાં શ્રીકાંતની રમત અત્યંત ખરાબ રહી હતી. પહેલી ગેમમાં ઝાઓએ 12 મિનિટમાં જીત મેળવી હતી. બીજી ગેમમાં એક સમયે શ્રીકાંત 16-14થી આગળ હતો પરંતુ અમુક ભૂલને કારણે તેણે નુકસાન વેઠવું પડ્યું છે. આ ઉપરાંત એમ.આર.અર્જુન અને ધ્રુવ કપિલા મેન્સ ડબલ્સના પ્રિ-ક્વાર્ટરમાં પહોંચી ગયા છે પરંતુ વિમેન્સ કેટેગરીમાં અશ્વીની પોનપ્પા અને એન.સિક્કી રેડ્ડી હારીને બહાર થયા છે. અર્જુન અને કપિલાની જોડીએ ડેનમાર્કની જોડીને પરાજિત કરી છે.