ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરના જુનાગઢ રોડ સ્થિત નવનિર્મિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો આગામી તા. 16 અને 17 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. પ્રગટ પ્રમુખસ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરી મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી માણાવદરના આંગણે ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. ત્યારે મહંત સ્વામી મહારાજના કરકમળોથી પ્રતિષ્ઠ થયેલી મૂર્તિઓની સ્થાપના વિધિ સંસ્થાના વરિષ્ઠ સંતોના શુભ હસ્તે થશે. ત્યારે આ નવનિર્મિત મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી મહારાજ અને ગણપતિજીની મૂર્તિઓ બિરાજમાન થશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા.16 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 થી 11 વિશ્વ શાંતિ મહાયજ્ઞ, બપોરે 1 થી 3 મહિલા સંમેલન, બપોરે 3.30 કલાકે શહેરમાં ભવ્ય શોભાયાત્રા તેમજ તા.17 ફેબ્રુઆરીના રોજ સવારે 7 કલાકથી વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ, બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે તેમ મંદિરના સાધુ કલ્યાણમૂર્તિદાસજીએ જણાવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા મહિલા મંડળ દ્વારા ભવ્ય રંગોળી તેમજ સ્વયં સેવકો દ્વારા તડામાર તૈયારી કરી રહ્યા છે.