ક્રીમ શર્ટના યુનિફોર્મમાં શિસ્તબદ્ધ અને સાફા પહેરીને યુવક મંડળે સ્વાગત કર્યું
શોભાયાત્રામાં કુલ 5 કાર, 51 બુલેટ તથા અન્ય બાઈકોમાં યુવાનો વિશાળ સંખ્યામાં જોડાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હરિધામ તીર્થક્ષેત્રના સંસ્થાપક હરિપ્રસાદસ્વામીના શિષ્ય પ્રબોધજીવનસ્વામી ગઈકાલે બીજી જૂનના રોજ પોતાના કાર્યક્ષેત્ર આત્મીય વિદ્યાધામ, વિદ્યાનગરથી રાજકોટ ખાતે પધાર્યા હતા. એપ્રિલ મહિનામાં હરિધામથી વિદ્યાનગર ખાતે સ્થાયી થયા બાદ તેઓ પહેલી વખત રાજકોટ આવ્યા હતા. તેમના હરિભક્તોમાં આ પ્રસંગને લઈને અદભૂત ભક્તિ, ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યા હતો. પ્રબોધસ્વામીને આવકારવા નાણાવટી ચોકથી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું જેમાં ગુરુહરિ હરિપ્રસાદસ્વામીએ નક્કી કરેલા ક્રીમ શર્ટના યુનિફોર્મમાં શિસ્તબદ્ધ રીતે અને સાફા પહેરીને યુવકમંડળે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વિશાળ શોભાયાત્રામાં કુલ 5 કાર, 51 બુલેટ તથા અન્ય બાઈકોમાં યુવકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. નાણાવટી ચોકથી શરુ કરીને સત્ય સાંઈ રોડ પર સંતોના નિવાસસ્થાને જઈને આ શોભાયાત્રા ગછઈં રેસીડેન્સી પર પ્રબોધસ્વામીના ઉતારાના સ્થાને સંપન્ન થઇ હતી. બન્ને સ્થળોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્ત ભાઈઓ-બહેનોએ દાસના દાસ બનાવશોજીની પ્રાર્થના સાથે પુષ્પવર્ષા કરી હતી. હરિભક્તોના જણાવ્યા મુજબ પ્રબોધસ્વામીનો રાજકોટ ખાતેનો ચાર દિવસનો કાર્યક્રમ છે જેમાં તેઓના ગુરુજી હરિપ્રસાદસ્વામીની રીતિ-નીતિ મુજબ હરિભક્તોના ઘરે પધરામણી અને જસદણ સહીત અલગ અલગ સ્થળે સભાઓના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યસભા તારીખ 05 જુન રવિવારના રોજ સાંજે રત્ન વિલાસ પેલેસ, કોસ્મોપ્લેક્ષ પાછળ યોજાશે. જેમાં રાજકોટના સમગ્ર સત્સંગ મંડળના ભક્તો તથા વિવિધક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે સેવા, સ્મૃતિ, સ્વધર્મ અને સુહૃદભાવના સંદેશવાહક તરીકે પ્રબોધસ્વામી વિદ્યાનગર આવ્યા બાદ પહેલીવાર રાજકોટ આવ્યા છે.