ગુજરાતમાં જૂન-જુલાઇ દરમિયાન ભારે વરસાદ બાદ ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ખેંચાયો છે પરિણામ સ્વરુપ, ખેતી, ઔધોગિક, રહેણાંક અને કેમર્શિયલ ક્ષેત્રે વીજ માગ વધવા પામી છે. જે સપ્ટેમ્બર માસ દરમિયાન 24,544 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. એમાં પણ ખેતી ક્ષેત્રે હાલ વીજમાગ 9002 મેગાવોટ જેટલી થઈ ગઈ છે.
ગુજરાતમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેતર અને પાકને સ્વાભિવક રીતે જ ભારે નુકસાન થઇ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે તમામ જિલ્લામાં ખેતી ક્ષેત્રે 8 કલાક અપાતી વીજળીના સ્થાને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે રાજ્યના કુલ 20.28 લાખ ખેતી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને વીજળીનો લાભ મળી રહ્યો છે. વરસાદ ખેંચાઇ જતા ડાંગર, કપાસ અને મગફળી જેવા પાકને નુકસાન થતું અટકાવવા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. રાજ્યમાં જુલાઇ મહિના સુધી કુલ 78 ટકા વરસાદ થયો હતો
- Advertisement -
જ્યારે ઓગસ્ટ માસ દરમિયાન માત્ર 4 ટકા વરસાદ નોંધાયો હતો. જેથી ખરીફ પાકને બચાવવા વીજળી વધુ આપવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. ઓગસ્ટ 2023માં વીજળીની માગ 22,972 મેગાવોટ હતી. જેમાંથી ખેતી ક્ષેત્રની વીજ માગ 9,724 મેગાવોટ જેટલી હતી. એવી જ રીતે જુલાઇ 2023માં વીજ માગ 17,413 મેગાવોટ હતી, પરંતુ જુલાઈમાં સારા વરસાદને કારણે ખેતી ક્ષેત્રે વીજ માગ ઘટીને 2472 મેગાવોટ થઈ ગઈ હતી. આ અગાઉ રાજ્યમાં વર્ષ 2020-21માં વરસાદ ખેંચાતા રાજ્યની વીજ ક્ષેત્રે વીજ માગ 18,483 મેગાવોટની હતી.
જેમાં ખેતી ક્ષેત્રેની વીજમાગ 9481 મેગાવોટની માગ હતી. આમ, માત્ર બે વર્ષના ગાળામાં રાજ્યમાં 2023-24માં 6061 મેગાવોટની માગ વધુ થવા પામી છે. ઉર્જા વિભાગની માહિતી મુજબ, હાલ વીજમાગ 24,544 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે ત્યારે તેને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે, પોતાના જીસેક સિવાયના રાજ્ય સરકાર હસ્તકના વીજ મથકોમાંથી 1831 મેગાવોટ, જીસેકના વીજ મથકોમાંથી 6770 મેગાવોટ, ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી 5500 મેગાવોટ,
ભારત સરકાર પાસેથી પોતાના હિસ્સાના 7500 મેગાવોટ અને પવન અને સૌર ઉર્જા થકી 1000 મેગાવોટ વીજળી મેળવી રહી છે. ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સોમવારે ટાટા પાવરના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન ટાટા પાવર સાથે કરાયેલા 2000 મેગાવોટના વીજખરીદીના કરારમાં સર્જાયેલી મુશ્કેલી સંદર્ભે ચર્ચા હાથ ધરાઇ હતી. તેમ મનાય રહ્યું છે કે, સમજૂતી બાદ ટાટા પાવર પાસેથી રાજ્યના ઉર્જા વિભાગને 2000 મેગાવોટ વીજળી મળે તેવી સંભાવના વર્તાઇ રહી છે.