ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.19
વેરાવળ નગરપાલિકા દ્વારા શહેરના પટણી સમાજની વાડી, લાબેલા ખાતે યોજાયેલા સેવાસેતુ કેમ્પમાં રાજ્ય સરકારની 55 જેટલી યોજનાઓનો નાગરિકોને આપવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મેળલી તમામ 2,227 અરજીઓનું સ્થળ ઉપર જ સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ આ પ્રસંગે જણાવ્યું કે, સેવાસેતુના માધ્યમથી વેરાવળ નગરની જનતાના પ્રશ્નોનો ઘરઆંગણે જ ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પોતાની નાની-નાની સેવાઓ માટે દૂર જવું ના પડે અને તેમના નજીકના જ સ્થળે તેમના પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે સેવાસેતુ કાર્યક્રમ ઉપયુક્ત બન્યો છે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, આવકનો દાખલો, જન્મ-મરણનું પ્રમાણપત્ર, આધારકાર્ડ અપડેશન, લગ્નનોંધણી પ્રમાણપત્ર, જનધન બેન્ક એકાઉન્ટ ખોલાવવું, વિધવા સહાય, દિવ્યાંગો માટે બસ પાસ, નિરાધાર વૃદ્વ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, કુંવરબાઇનું મામેરું યોજના, પ્રોપર્ટી ટેક્ષ, હેલ્થ વેલનેશ કાર્ડ સહિતની અરજીઓ મળી હતી. જેનો હકારાત્મક નિકાલ કરી નાગરિકોને વિવિધ યોજનાઓ લાભ આપવામાં આવ્યો હતો.