પોરબંદરના ઐતિહાસિક ‘હુઝૂર પેલેસ’નો 150 કરોડમાં સોદો? જેઠવા રાજપૂત સમાજનો ઉગ્ર વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.12
પોરબંદરની ચોપાટી પર અડીખમ ઊભેલા અને પોરબંદરના ઈતિહાસ સાથે અતૂટ નાતો ધરાવતા ’હુઝૂર પેલેસ’ની તાજેતરમાં માલિકી બદલાઈ હોવાની ચર્ચા થઈ રહી છે. ગઈકાલે મહેલના તાળા બદલાઈ ગયા અને સુરક્ષા માટે એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જોકે, રાજમહેલનો સોદો કોણે કર્યો, કેટલી રકમમાં થયો, અને મહેલનો નવો માલિક કોણ છે? તે અંગે સત્તાવાર માહિતી હજી સુધી બહાર આવી નથી. પ્રાપ્ત વિગતો મુજબ, પોરબંદરના આ ઐતિહાસિક રાજમહેલની કિંમત આશરે ₹150 કરોડ આંકવામાં આવી રહી છે. શોપિંગ મોલ અને હોટલ ક્ષેત્રે રોકાણ કરનાર મેટ્રોસીટીની એક મોટા ભંડોળવાળી કંપનીએ આ મહેલ ખરીદ્યો હોવાની વાતચીત ચાલી રહી છે. બીજી તરફ, સમસ્ત જેઠવા રાજપૂત સમાજ અને રાજવી પરિવારના દાવા મુજબ, મહેલનો સોદો શંકાસ્પદ છે અને તેનો કાયદેસર મહેસૂલ પુરાવા હજી બહાર આવ્યો નથી. આ ઐતિહાસિક મહેલ જેઠવા રાજવી પરિવારમાં સદીથી અસ્તિત્વ ધરાવે છે. મહારાણા નટવરસિંહજી દ્વારા બનાવવામાં આવેલા આ મહેલના વેચાણ સામે જેઠવા સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેઓનું કહેવું છે કે, મહેલનો તાજેતરનો સંભવિત માલિક હેરી ઉર્ફે હરેન્દ્ર ડી. સિલ્વા માત્ર મહેલના વહીવટદાર હતા અને તેમને કાયદેસર વેચાણનો હક નહોતો. પોરબંદરના ગૌરવ હુઝૂર પેલેસ 11 મે, 1923ના રોજ મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાએ આ રાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. મહેલની રચના એ રીતે કરવામાં આવી હતી કે, તેમાં ત્રણ લેયરના વિશાળ ગાર્ડન, દરિયા કિનારે અનોખું સ્થળ, અને સમુદ્રના દૃશ્ય સાથે એક શાનદાર ઇમારત ઉભી રહી. મુગલ ગાર્ડન (દિલ્લી), વૃંદાવન ગાર્ડન (બેંગલુરુ) અને નિશાંત ગાર્ડન (કાશ્મીર) જેવી બગીચાઓની સમકક્ષ ગાર્ડન અહીં નિર્માણ કરવામાં આવી હતી.
- Advertisement -
સોદો સત્ય કે કાવતરું?
મળતી વિગતો મુજબ, આ સોદાને લઈને બે અલગ-અલગ હોટેલોમાં મેટ્રોસીટી કંપનીના સ્ટાફ અને વકીલોએ બેઠક યોજી હતી. મહેલની અંદરથી મહારાણા નટવરસિંહજીના જૂના ફોટા અને રાજવી સાહિત્ય હટાવી દેવાયું છે, જે મહેલના નવો માલિક બદલાઈ ગયો હોવાના સંકેતો આપે છે. સુરક્ષા માટે રાજકોટની એક પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીને રાખવામાં આવી છે અને તે એજન્સીએ કુતિયાણાની બીજી એક સિક્યુરીટી ફર્મને પેટા-કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની ચર્ચા છે.
જેઠવા પરિવાર અને રાજવી પરિવારો કોર્ટનું શરણું લેશે
પોરબંદરના પ્રખ્યાત હુઝૂર પેલેસ (રાજમહેલ) ના સંભવિત વેચાણને લઈને સમસ્ત જેઠવા રાજપૂત સમાજ અને રાજશાખા પરિવાર હવે કાયદેસર લડત આપવાની તૈયારીમાં છે. પોરબંદરના હજારો લોકોના ભાવનાથી જોડાયેલા આ ઐતિહાસિક મહેલના માલિકી હક અંગે કોર્ટમાં અરજી કરવામાં આવશે. તા. 21 નવેમ્બર 2024ના રોજ હુઝૂર પેલેસ ખાતે વસવાટ કરતા હેરી ઉર્ફે હરેન્દ્ર ડી. સિલ્વા દ્વારા અમદાવાદની વાડિયા ઘાંડી એન્ડ કું. ના વકીલ શ્રીનાથ પારેખ પાસે પ્રોપર્ટી ટાઈટલ ક્લિયરન્સ માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ, એક જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી. આના વિરોધમાં જેઠવા રાજપૂત સમાજ અને રાજશાખા પરિવારે સંયુક્ત નિવેદન આપ્યું કે, હેરી ઉર્ફે હરેન્દ્ર ડી. સિલ્વા માત્ર વહીવટદાર હતા અને તેમના પાસે રાજમહેલ વેચવાનો કોઈ કાયદેસર હક નથી.
હજુ અનેક સવાલો ઊભા થયા છે
શું મહેલનું વેચાણ કાયદેસર રીતે થયું છે?
જો સોદો થયો છે, તો ખરીદદારો કોણ છે?
જેઠવા રાજપૂત સમાજ અને પોરબંદરના લોકો માટે આ મહેલનું ભવિષ્ય શું હશે?
રાજવી પરિવારમાં વારસદાર કોણ?
પોરબંદરના રાજવી ઇતિહાસ મુજબ, મહારાણા નટવરસિંહજીના પ્રથમ લગ્ન 5 ફેબ્રુઆરી 1920 ના રોજ લીંબડી સ્ટેટના રાજકુંવરી રૂપાળીબા સાથે થયા હતા. જોકે, 21 વર્ષ સુધી સંતાનપ્રાપ્તિ ન થતાં, મહારાણાએ તેમના ભાયાત શિવસિંહજીના પુત્ર બાલસિંહજીને દત્તક લીધા હતા અને તેઓ યુવરાજ ઉદયભાણસિંહજી તરીકે ઓળખાયા. મહારાણા નટવરસિંહજીના અવસાન પછી, રાજવી પરિવાર અને જેઠવા રાજપૂત સમાજ ઉદયભાણસિંહજીને કાયદેસર વારસદાર માને છે, જ્યારે હેરી ઉર્ફે હરેન્દ્ર ડી. સિલ્વાની દત્તક વિધિ અથવા રાજતિલક ક્યારેય નોંધાઈ નથી.
બોગસ દસ્તાવેજો દ્વારા વેંચાણનો પ્રયાસ?
જેઠવા સમાજના પ્રમુખ રાજભા જેઠવા એ આક્ષેપ કર્યો કે કોઈ અધિકૃત વારસદારની હાજરી વિના માત્ર ખાનગી દસ્તાવેજો અને બોગસ વીલના આધારે મહેલ વેચવાની હિલચાલ ચાલી રહી છે. આ મુદ્દે રાજશાખા પરિવાર, જે સીધા જેઠવા રાજવી વંશ સાથે જોડાયેલા છે, તેઓ પણ કોર્ટમાં અરજી કરવાના છે. તેઓના નામ પણ બારોટના ચોપડે કાયદેસર રીતે નોંધાયેલ છે, તેથી આ લડત માત્ર એક પરિવારની નહીં, પરંતુ પોરબંદરના ઇતિહાસ અને સંસ્કૃતિની છે.
આગળ શું?
1. કોર્ટમાં કાયદેસર દાવા દાખલ થશે.
2. જેઠવા સમાજ અને રાજશાખા પરિવાર આ સોદો રદ કરાવવા માટે એકજૂટ રહેશે.
3. પોરબંદરના અન્ય સમાજો પણ આ લડતમાં સાથ આપશે.
“આ રાજમહેલ માત્ર ઈમારત નથી, તે પોરબંદરના ઈતિહાસ અને સંસ્કૃતિની અનમોલ ધરોહર છે. અમે કાયદેસર રીતે લડત આપી મહેલ બચાવીશું.’
-રાજભા જેઠવા, પ્રમુખ, જેઠવા રાજપૂત સમાજ