આરોપીના અનેક દિગ્ગજ નેતાઓ સાથેના ફોટો થયા વાયરલ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.3
ગત વર્ષે પોરબંદરમાં યોજાયેલ મેળામાં હાથીવાળા ગ્રાઉન્ડમાં “ફુડઝોન” સ્ટોલ રાખવા માટે થયેલી ભાગીદારીના વિવાદમાં કોર્ટ દ્વારા આરોપીને છ મહિના કેદની સજા ફટકારવામાં આવી છે. ફરીયાદી કાંતીલાલ બાબુલાલ બુધેચાએ જણાવ્યું હતું કે તેણે આનંદકુમાર અરવિંદભાઈ નાંઢા સાથે મળીને 70-30 ના ભાગમાં સ્ટોલ ચલાવવાનો કરાર કર્યો હતો. આ અંગે તમામ રકમ આનંદકુમારના પિતાશ્રી સંભાળી રહ્યા હતા અને મેળો પૂરો થયા બાદ હિસાબ કરવામાં આવ્યો. આ હિસાબ મુજબ કાંતીલાલને રૂપિયા 5,78,047/- મળવાપાત્ર હતા. હિસાબ પુરો થયા બાદ આ રકમ માટે આનંદકુમાર નાંઢાએ ચેક આપી દીધો, જે નાણા ઉઠાવવા જતાં બેંકમાંથી પરત આવી ગયો. આથી કાંતીલાલે પોરબંદરની કોર્ટમાં કેસ નોંધાવ્યો.
- Advertisement -
મામલાની સુનવણી દરમિયાન તમામ પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો આધારે પોરબંદરના સેક્ધડ જુનિયર મેજીસ્ટ્રેટ ચાવડા સાહેબે આરોપી આનંદકુમાર નાંઢાને છ માસની કેદની સજા સાથે 9% વ્યાજના દરે ચેકની રકમ ચુકવવાનો હુકમ કર્યો. આ ચુકાદાને કારણે મેળાની કમાણી મેળામાં જ સમાઈ ગઈ એવી વાત ચર્ચાનો વિષય બની રહી છે. આ કોર્ટના ચુકાદા દ્વારા, ભવિષ્યમાં ભાગીદારીના ધંધામાં હિસાબ રાખીને ચાલવા માટે એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. ફરીયાદી કાંતીલાલ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી, અને જયેશ બારોટએ આ કેસમાં પક્ષ રાખ્યો હતો.