100માંથી માત્ર 25 દબાણકર્તાઓને નોટિસ, બાકીના 75 દબાણ યથાવત
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના નરસંગ ટેકરી સામેના સાઈબાબા મંદિરની પશ્ચિમ તરફના વિસ્તારોમાં મોટેપાયે બાંધકામો થયા છે, પરંતુ આ બાંધકામો માટે કોઇ પરવાનગી લેવામાં આવી નથી. છાયાપાલિકા અને રેવન્યુ વિભાગ દ્વારા અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્ટાફના અભાવે નોટિસ વિતરણની કામગીરી ધીમી પડી છે.
દિવસે દિવસે આ દબાણો વધતા હોવાથી પોરબંદર-છાયા પાલિકા દ્વારા ડિસેમ્બરમાં 25 આસામીઓને નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં 7 દિવસની અંદર બાંધકામ માટેની પરવાનગી અને જમીનના માલિકી હકના પુરાવા રજૂ કરવા સૂચવાયું હતું. જો કે, સ્ટાફના અભાવે બાકીના 75 દબાણકર્તાઓને નોટિસ અપાઈ નથી.પાલિકા તંત્ર દ્વારા જણાવાયું કે, દબાણો અને અનધિકૃત બાંધકામો પર કાર્યવાહી માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ નથી. પોરબંદર શહેરમાં દબાણોની સંખ્યા વધી રહી છે, પરંતુ પાલિકા પાસે મર્યાદિત કર્મચારીઓ હોવાથી કામગીરી અસરગ્રસ્ત થઈ છે. પાલિકા અને રેવન્યુ વિભાગના રેકોર્ડ મુજબ, 100થી વધુ દબાણો સાઈબાબા મંદિરની આસપાસના વિસ્તારોમાં થયાં છે. એવામાં, માત્ર 25 દબાણકર્તાઓને નોટિસ પાઠવાય છે, જ્યારે 75 દબાણ યથાવત્ છે.
પાલિકા તંત્રએ સ્ટાફની અછત દૂર કરવા માટે ઉકેલ શોધવાનો નિર્ણય કર્યો છે. દબાણ અને અનધિકૃત બાંધકામના મામલે સઘન ચકાસણી કરાશે અને ટૂંક સમયમાં બાકી દબાણકર્તાઓને પણ નોટિસ પાઠવાશે.



