વોર્ડ નંબર 1, 10, 11 અને 13ના બિસ્માર રસ્તાઓને નવી ઝગમગાહટ મળશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર શહેરમાં ભારે વરસાદ તથા ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન બિસ્માર બનેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવાનું મનપાએ નક્કી કર્યું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ. 11.25 કરોડના ખર્ચે શહેરના વોર્ડ નંબર 1, 10, 11 અને 13 સહિત પરેશનગર વિસ્તારના આશરે 20 કિ.મી. રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે. ચોમાસા દરમ્યાન ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોના રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
- Advertisement -
આ સ્થિતિને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા શહેરના બિસ્માર રસ્તાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વે પછી તૈયાર થયેલા અહેવાલના આધારે હવે બિસ્માર વિસ્તારોમાં રોડ સમારકામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં જ સમારકામના કામનો આરંભ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત પરેશનગર તથા કલેકટર કચેરી વિસ્તારના ગેસ પાઈપલાઈન કામ દરમ્યાન બિસ્માર થયેલા માર્ગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મનપા તંત્ર મુજબ, સમગ્ર કામ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે.



 
                                 
                              
        

 
         
         
        