મોટા બૂટલેગરો વિરૂદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાંથી પોરબંદર એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ)એ ફરી એકવાર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ રેડ દરમિયાન પોલીસે બે શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, એલસીબી પીઆઇ આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા અને કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને મળેલી બાતમી આધારે, બરડા ડુંગર ખાતે ભતવારી માતાજીના મંદીરથી પશ્ચિમ તરફ આશરે 500 મીટર દૂર ચેકડેમના કાંઠે એક દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.આ રેડમાં પોલીસે આરોપી અશોક લખમણભાઇ ગુરગુટીયા અને નાથા લખમણભાઇ ગુરગુટીયાને ઝડપી પાડ્યા છે. આ સ્થળેથી 1,800 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો અને 100 લીટર દારૂની સાથે સાથે અન્ય અનેક સામગ્રી મળી આવી છે, જેની કુલ કિંમત અંદાજે 21,500 રૂપિયા થાય છે. બંને આરોપીઓ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, માલણકા ગામથી વડાળા ગામ તરફ જતા રસ્તે બાવળની કાટમાં છુપાઈને દેશી દારૂની ઘૂસણખોરી કરતા રાજા ઉર્ફે રાજુ અમરાભાઇ બઢ અને વિજય મુરૂભાઇ ભારાઇને પણ પકડવામાં આવ્યા છે. તેઓ પાસેથી 210 લીટર દેશી દારૂ સાથે 420 નંગ દારૂની કોથળીઓ મળી આવી છે. આ બન્ને સામે કુતીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. એવી ચર્ચાઓ છે કે, બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ સતત ઝડપાતી રહે છે અને આ વિસ્તાર પોરબંદરમાં દારૂની સપ્લાય માટેનું હબ માનવામાં આવે છે. બુટલેગરો વિરુદ્ધ કડક પગલાં ભરવા અને તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે પોરબંદર પોલીસની કામગીરીની ચર્ચા શહેરભરમાં જોરશોરથી થઈ રહી છે.