ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદરમાં લેન્ડ ગ્રેબિંગ કેસના એક મહત્ત્વના મામલામાં શહેરના જાણીતા બિલ્ડર અને સૂર્યાવાડ મેમણ જમાતના પ્રમુખ યુસુફ મહમદ પૂંજાણીના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. મેમણવાડ વિસ્તારમાં નિવાસ કરતા યુસુફ પૂંજાણીએ 2023માં કીર્તિમંદિર પોલીસ મથકે થયેલી ફરિયાદના આધારે આ કેસનો સામનો કરી રહ્યો છે.ફરિયાદી દ્વારા નોંધાયેલ ફરિયાદ અનુસાર, યુસુફ પુંજાણી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ (જમીન પચાવી પાડવા) નો ગુન્હો નોંધાયો હતો. કોર્ટમાં પોતાનું નિવેદન રજૂ કરતા સરકારી વકીલ એસ.બી. જેઠવાએ જણાવ્યું કે, રેવન્યુ રેકોર્ડ મુજબ જમીન ફરિયાદીના નામે છે અને પ્રોપર્ટી કાર્ડમાં નામ અંગેની તપાસ ચાલુ છે. વધુમાં, યુસુફ પૂંજાણીનો ભૂતકાળમાં પણ ગુન્હાહિત ઇતિહાસ છે, જે તેમની ગુન્હાશીલ પ્રવૃત્તિઓને સ્પષ્ટ કરે છે.
- Advertisement -
આ તમામ દલીલોને ધ્યાને લઈ, સ્પેશ્યલ જજ લેન્ડ ગ્રેબિંગ અને એડિશનલ સેશન્સ જજ કે.એ. પઠાણે બંને પક્ષની દલીલો સાંભળી, આ કેસમાં યુસુફ મહમદ પૂંજાણીના આગોતરા જામીન મુક્ત થવાની અરજી નામંજૂર કરી છે. આ નિર્ણય સાથે, પોરબંદરના આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, અને કોર્ટના આ નિર્ણયને આધારે વધુ તપાસ અને કાર્યવાહી આગળ વધી શકે છે.