ઓરિએન્ટ ફેક્ટરીના વર્કરોએ મેનેજમેન્ટ ટીમ સાથે મતદાન જાગૃતિના શપથ લીધા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.2
પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત તા. 7 મેના મતદાન પ્રક્રિયા યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી દ્વારા જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવા પ્રયાસો થઇ રહ્યા છે. તેમની ઉપસ્થિતીમાં જી.આઇ.ડી.સી. ઓરિએન્ટ ફેક્ટરી ખાતે મતદાર જાગૃતિ અભિયાન યોજાયું હતું. માઇગ્રેટરી ઇલેક્ટોર, નોડલ ઓફિસર તેમજ સ્વીપનોડલ ઓફિસર્સ અને લેબર ઓફિસરના સંયુક્ત ઉપક્રમે ઓરિએન્ટ ફેક્ટરીના વર્કરોએ મેનેજમેન્ટ ટીમ સાથે મતદાન જાગૃતિના શપથ લીધા હતા. ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી તથા પોરબંદર જીઆઇડીસીના વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓની હાજરીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા તાજેતરમાં વનાણા ખાતે છ જેટલી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે મતદાર જાગૃતિના એમઓયુ થયા હોવા સંદર્ભે કાર્યક્રમનું આયોજન થયું હતું.
- Advertisement -
ગવર્મેન્ટ લેબર ઓફિસર મહિપાલસિંહ ચુડાસમાએ સ્વાગત પ્રવચનની સાથે મતદાન જાગૃતિ અન્વયે કામદારોને મળતી સુવિધા વિશે માહિતગાર કર્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણીએ ફેક્ટરીના કામદારોને મતદાનના કાયદાઓ, સુવિધાઓ, મતદાનના દિવસે મળતી રજાથી માહિતગાર કર્યા હતા. દરેક વ્યક્તિએ સહ પરિવાર સાથે મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ તેવું જણાવ્યું હતું. સ્વીપ ટીમ વતી જીગ્નેશભાઈ પ્રશ્ર્નાણીએ મતદાર જાગૃતિ અંગે શપથ લેવડાવ્યા હતા. કલેક્ટર દ્વારા અમે અવશ્ર્ય મતદાન કરીશુંના સિગ્નેચર કેમ્પેનમાં પોતાની સહી કરી મતદાર જાગૃતિ સેલ્ફી લેવડાવી ઇન્ડસ્ટ્રીના વર્કરોને પ્રેરણા પૂરી પાડી હતી. તમામ અધિકારીઓ, વર્કરોએ પોતાની સહી કરી મતદાન કરવા અંગે સહમતિ આપી હતી.