ટ્રસ્ટીઓને નોટિસ બાદ પ્રમુખનો મૌન પ્રતિભાવ વેપારી વર્ગમાં ચર્ચાનો વિષય
વિવાદિત પ્રકરણ પર જીગ્નેશ કારીયાનું મૌન-ચેમ્બર પર વધતી શંકાની છાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ફરી એક વખત ભારે ચર્ચામાં આવી ગયું છે. રાજકોટ સ્થિત સંયુક્ત ચેરિટી કમિશ્નરની કચેરીના અધિક્ષકે ચેમ્બર ઓફ કોમર્સના કુલ 24 ટ્રસ્ટીઓને વ્યક્તિગત નોટિસો પાઠવી છે. ગુજરાત પબ્લિક ટ્રસ્ટ અધિનિયમ-1950ની કલમ 22 તથા કલમ 36 હેઠળ ભંગ બદલ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે બીજી નોટિસમાં કલમ 26 મુજબ ફોજદારી કાર્યવાહી માટે મંજૂરી માંગવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. નોટિસોમાં ટ્રસ્ટીઓને 9 ડિસેમ્બર 2025ના બપોરે 12 વાગ્યે કાર્યવાહી અને સુનાવણી માટે હાજર રહેવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ છે. નોટિસના અંતમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ટ્રસ્ટીઓ હાજર નહીં રહે તો તમને કોઈ રજુઆત કરવાની નથી એવી ગણતરી કરતા કચેરી ગુણદોષ મુજબનો નિર્ણય આપશે. આ નોટિસો બહાર પડતાં જ પોરબંદરના વેપારી વર્ગમાં ભારે સનસનાટી ફેલાઈ છે. કારણ કે ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા અનેક વર્ષોથી વિવિધ વિવાદોને લઈ સતત ચર્ચામાં રહ્યું છે-બાંધકામમાં ગેરવિધિ, ફાયર એન.ઓ.સી., પાર્કિંગ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ, ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ, સભ્યોને મનમાની રીતે સસ્પેન્ડ કરવા જેવા આક્ષેપો સમયાંતરે માધ્યમોમાં ચર્ચાયા છે. તાજેતરમાં વધેલા વિવાદો વચ્ચે ટ્રસ્ટીઓ વિરુદ્ધ આવી કડક નોટિસો વધુ ગરમાવો લાવી રહી છે.
- Advertisement -
ટ્રસ્ટી નલિન કાનાણીનો આક્ષેપ : જીગ્નેશ કારિયાના કારણે નિર્દોષ ટ્રસ્ટીઓ પણ ભોગ બનશે
ચેમ્બરના વરિષ્ઠ ટ્રસ્ટી નલિન કાનાણીએ જણાવ્યું કે 2008માં જ્યારે તેઓ પ્રમુખ હતા ત્યારે ચેમ્બરનું પબ્લિક ટ્રસ્ટ તરીકે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલમાં આપવામાં આવેલી 26 નોટિસોમાંથી બે નામ રિપીટ થયેલા છે, એટલે 24 ટ્રસ્ટીઓ પર કાર્યવાહી છે. નલિન કાનાણીના આરોપ મુજબ, વર્તમાનમાં પોતાને પ્રમુખ ગણાવતા જીગ્નેશ કારિયા 2013-14થી સંસ્થાનો કબ્જો ચલાવે છે અને પોતાના મનસ્વી નિર્ણયોથી સંસ્થાને દોરી રહ્યા છે. નિયમીત જનરલ મિટિંગ બોલાવવામાં નથી આવતી અને અમે વારંવાર નિયમ મુજબ ચાલવાની માંગ કરતા હતા છતાં સાંભળવામાં આવ્યું નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે કલમ 22 અને 36 બંનેના ભંગ બદલ તમામ ટ્રસ્ટીઓ જવાબદાર ગણાય છે, પરંતુ હકીકતમાં જીગ્નેશ કારિયાના કારણે સૂકા પાછળ લીલું બળે જેવી સ્થિતિ બની છે, અને નિર્દોષ ટ્રસ્ટીઓ પણ મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે.
મૂળ ફરિયાદી દિનેશ માંડવિયાનો સવાલ : આ કેસમાં સીધો ગુનો બને, તો માત્ર નોટિસ શા માટે?
ચેમ્બરની સામે લાંબા સમયથી લડત ચલાવતા મૂળ ફરિયાદી દિનેશ માંડવીયાએ ગંભીર આક્ષેપો કર્યા. તેમના કહેવા મુજબ- કલમ 22 મુજબ ફેરફાર રિપોર્ટ 90 દિવસમાં રજૂ કરવો ફરજિયાત છે, પરંતુ ચેમ્બરમાં ક્યારેય નિયમિત ચૂંટણી થઈ જ નથી. ફેરફાર રિપોર્ટો વર્ષોથી રજુ કરાયેલા નથી. કલમ 36 મુજબ જગ્યા ભાડે આપવા ચેરિટી કમિશ્નર પાસેથી મંજૂરી લેવી પડતી હોય છે, પરંતુ ચેમ્બરે કોઈ મંજૂરી વિના 9 વર્ષ માટે વસ્ત્ર ભંડાર અને 5 વર્ષ માટે પિઝા સેન્ટરને જગ્યા ભાડે આપી દીધી છે. આ બંને કલમોના સ્પષ્ટ ભંગ છતાં 1982 પછી પહેલી વખત આવી નોટિસો આપવામાં આવી છે. દિનેશ માંડવીયાએ તીખો સવાલ ઉઠાવ્યો- આવા કિસ્સાઓમાં તો સીધો ગુનો બને છે, એફ.આઈ.આર. થવી જોઈએ. છતાં ફક્ત નોટિસ આપી છે-આ પણ શંકાસ્પદ છે.
વર્તમાન પ્રમુખ તરીકે ઓળખાતા જીગ્નેશ કારિયાનું મૌન
ચેમ્બર ઓફ કોમર્સને લગતા મહત્વના વિવાદો વચ્ચે પોરબંદરના પત્રકારોએ વર્તમાન પ્રમુખ તરીકે ઓળખાતા જીગ્નેશ કારિયાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે ફોન સ્વીકાર્યો ન હતો અને સમગ્ર મુદ્દે મિડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન કે સ્પષ્ટીકરણ આપવા ઇન્કાર કર્યો હતો. કારિયાના મૌનને કારણે વેપારી વર્ગમાં વધુ ચર્ચાઓ ઉઠી રહી છે.
વેપારી વર્ગમાં ચર્ચાઓનો ગરમાવો
ચેમ્બર ઓફ કોમર્સ, જે શહેરના વેપારી અને ઉદ્યોગકારો માટે અતિમહત્ત્વની સંસ્થા છે, તેની સામે આવી ગંભીર કાર્યવાહી થતાં વેપારી વર્ગમાં ચર્ચાઓ તીવ્ર બનવા લાગી છે. વર્ષોથી ચાલતા વિવાદોને અવગણી શકાય તેમ નથી અને હવે આ નોટિસો સમગ્ર તંત્રની કામગીરી પર પણ પ્રશ્ર્નચિન્હ ઉભું કરી રહી છે. આગામી સુનાવણીમાં 24 ટ્રસ્ટીઓ હાજર રહે છે કે નહીં, અને ચેરિટી કમિશ્નર કઈ દિશામાં નિર્ણય લે છે-તે ઉપર પોરબંદરના વેપારી જગતની નજર અડકી ગઈ છે.



