8મીએ સવારે પણ મોર,વાંનરો,નિલગાય સાથે તૃણાહારી પ્રાણીની ગણતરી કરાશે:વકર્મચારીઓને તાલીમબધ્ધ કરાયા
સમગ્ર ગુજરાતમાં આગામી પૂનમે એટલે કે, તા.5 અને તા.6ના રોજ રાત્રીના સમયે દિપડા સહિત વન્યપ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં વનવિભાગ દ્વારા આ ગણતરી કરવામાં આવનાર છે. જેના માટે વનવિભાગ દ્વારા અધિકારી-કર્મચારીઓને તાલીમબધ્ધ કરવાામાં આવ્યા છે અને આગામી પૂનમની રાત્રીએ દિપડા સહિત શિયાળ, લોકડી, ઘુવડ, ઝરખ,જંગલી બિલાડી, વણીયર સહિતના પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. જ્યારે તા.8મીએ મોર, નીલગાય, વાંદરા સહિતના વન્યજીવોની ગણતરી હાથ ધરાશે.
વનવિભાગ દ્વારા સમયાંતરે વન્યજીવોની ગણતરી કરીને તેમની વર્તણૂક અને વસ્તીમાં થતા ફેરફારની નોંધ રાખવામાં આવે છે જેના આધારે જરૃરી પગલા વનવિભાગ દ્વારા ભરવામાં આવતા હોય છે ત્યારે અગાઉ વર્ષ 2016માં વન્યજીવોની ગણતરી થયા બાદ હવે આગામી પૂનમની રાત્રીએ દિપડા સહિતના વન્ય પ્રાણીઓની વસ્તીની ગણતરી હાથ ધરવામાં આવનાર છે. આ અંગે જિલ્લા વનસંરક્ષક ડો.ચંદ્રેશ સાન્દ્રે એ જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આ વસ્તી ગણતરી કરવાની છે જેના ભાગરૃપે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ દિપડા સહિતના વન્ય પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. જેમાં પૂનમની રાત્રીએ એટલે કે, તા.પાંચ અને તા.છઠ્ઠીની રાત્રીએ નિશાચરપ્રાણીઓમાં દિપડો, વરૃ, શિયાળ, લોકડી, જંગલી બિલાડી, ઘુવડ, વણીયર, ઝરખ સહિત અન્ય વન્યપ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત તા.8મીને સોમવારે મોર, વાંદરા તથા તૃણાહારી પ્રાણીઓ એટલે કે, નિલગાય-હરણ સહિતના પ્રાણીઓની ગણતરી પણ કરાશે. આ અંગે વનવિભાગના 100થી વધુ અધિકારી-કર્મચારીઓને નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી છે અને ચોક્કસ વસ્તી ગણતરી થાય તે માટે કયા કયા પ્રકારની કાળજી લેવી તેનાથી સ્ટાફને માહિતગાર પણ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં, જરૃર પડે તો આ વસ્તી ગણતરીની કામગીરીમાં વોલીએન્ટર્સને પણ જોડવામાં આવશે અને તેમનેપણ તાલીમ આપવામાં આવશે.