રાદડિયા જૂથ અને ઢાંકેચા જૂથ વચ્ચે જામ્યો જંગ
કોન્ટ્રાક્ટર અને જૂની કમિટીને નોટિસ આપવા બેડી યાર્ડના વેપારીઓએ ચેરમેન જયેશ બોઘરાને આવેદન પાઠવ્યું
- Advertisement -
ભ્રષ્ટાચારની તિરાડો અને ગાબડાં છાપરે ચડીને પોકારે છે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં કાર્યરત 25 જેટલા વેપારીઓએ પોતાની પેઢીના લેટરપેડ ઉપર ચેરમેન જયેશભાઇ બોઘરાને પત્ર પાઠવી રજૂઆત કરી છે. વેપારીઓએ ચેરમેનને રજૂઆત કરતા જણાવ્યું હતું કે જૂના માર્કેટયાર્ડમાં આવેલી દુકાનની સામે નવા બેડી યાર્ડમાં બી- લાઇનમાં 10 લાખ રૂપિયા અને એ-લાઇનમાં 15 લાખ રૂપિયા વધારે વસૂલીને દુકાન સામે દુકાન આપવામાં આવી હતી. આ દુકાનો બનાવાઇ ત્યારથી અત્યાર સુધી બાંધકામ અંગે અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં તેમાં કોઇ ધ્યાન અપાયું નથી. આ દુકાનોનું બાંધકામ સાવ નબળી ગુણવત્તાનું છે.
બેડી યાર્ડનું 2014-15માં 271 કરોડ રૂપિયાના ખર્ચે કરાયું હતું. આ સમયે યાર્ડના ચેરમેન હરદેવસિંહ જાડેજા સામે 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ થયા હતા. સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયા અને જાડેજા-ઢાંકેચા ગ્રૂપ સામસામે છે. રાદડિયા ગ્રૂપે જાડેજા ગ્રૂપને સાણસામાં લેવા માટે બેડીયાર્ડનું કૌભાંડ ફરી ખોલ્યું હોય તેમ 25 જેટલા વેપારીઓએ પોતાના લેટરપેડ પર યાર્ડના ચેરમેન સમક્ષ માગ કરી છે કે, 8 વર્ષમાં દુકાનો જર્જરિત થઇ છે તેથી કોન્ટ્રાક્ટર અને તત્કાલીન કમિટીને નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે.