શ્ર્વાસ – ફેફસાની બિમારીઓ ધરાવતા દર્દીઓને શકય હોય તો થોડો સમય દિલ્હી છોડી જવા સલાહ
ઓલ ઈન્ડિયા મેડિકલ સાયન્સે પાટનગરને હેલ્થ ઈમર્જન્સી શ્રેણીમાં મુકયું : અનેક વિસ્તારોમાં એર કવૉલિટી ઈન્ડેકસ 500 સુધી પહોંચી ગયું
વહેલી સવારથી પાટનગરમાં ભારે ધુમ્મસ – ધુમાડા અને જામી ગયેલી ઠંડી હવાનું સામ્રાજય : ત્રણથી ચાર સપ્તાહ આ સ્થિતિ રહેવાનો ભય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
દેશનું પાટનગર દિલ્હીમાં પ્રદુષણ દર વર્ષે ખલનાયકની ભૂમિકા ભજવે છે. તેમાં આ વર્ષે હજુ શિયાળાના પ્રારંભે જ જે રીતે અનેક વિસ્તારોમાં એર કવોલીટી ઈન્ડેકસ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે અને આજે સવારથી જ પાટનગર ઉપર ગાઢ ધુમ્મસ, ધુમાડા તથા ઠંડી હવા સ્થિર થઈ જતા પુરા વિસ્તારમાં અત્યંત ઝેરીલું પ્રદુષણ હોવાનું જાહેર થયું છે અને લોકોની આંખોમાં બળતરા, ગળામાં ખરાસ અને છાતીમાં ભારેપણા સહિતની ફરીયાદો આવવાનું શરૂ થઈ જતા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સે પાટનગરમાં હેલ્થ ઈમરજન્સી એટલે કે આરોગી કટોકટી હોવાનું જાહેર થયું છે.
જણાવ્યું છે કે, આ પ્રકારના પ્રદુષણથી સ્વસ્થ લોકો પણ બીમાર પડી રહ્યા છે અને બાળકોના ફેફસાઓને આ પ્રદુષણ 40 ટકા જેવું નુકશાન પહોંચાડી રહ્યું છે અને પ્રદુષણ બાળકો દ્વારા શ્વાસમાં લેવાતા પીએમ 2.5ની સાથે ફેફસાના ઉંડા ભાગ સુધી એટલે કે ડીપ લંગ તરીકે ઓળખાતા ભાગ સુધી પ્રદુષણ પહોંચીને તે જમા થઈ જવા લાગતા ફેફસાને ગંભીર નુકશાન થવાનો ભય છે.
એઈમ્સના પલ્મોનરી મેડીસીનના વડા ડો.અનંત મોહને ખાસ કરીને જે લોકોમાં ખાસ કરીને શ્વાસની અને ફેફસાની બીમારી હોય તેમને સાવધ થઈ જવા સલાહ આપતા જણાવ્યું હતું કે આ પ્રકારની સ્થિતિ આગામી ત્રણથી ચાર સપ્તાહ સુધી ચાલી શકે છે.
દિલ્હી અને એનસીઆરમાં એર કવોલીટી ઈન્ડેકસ 400થી આગળ વધીને પ્રથમ વખત 500એ પહોંચી ગયો છે અને તેને અત્યંત ગંભીર કક્ષામાં મુકવામાં આવ્યો છે.
દિલ્હી અને જહાંગીરપુરીમાં આ ઈન્ડેકસ 500થી ઉપર પહોંચતા જ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે દિલ્હીની હવાને અત્યંત ખરાબ સ્થિતિમાં મુકીને નાના બાળકોને ઘરમાં જ રાખવા સલાહ આપી છે અને બપોરના 12 પછી એર કવોલીટી ઈન્ડેકસમાં સુધારો થઈ શકે છે.
- Advertisement -
આ ઉપરાંત નાગરિકોને એન-95 માસ્ક કે જે કોરોના સમયે ઉપયોગમાં લેવાતો હતો તે ફરી એક વખત અપનાવવા જણાવાયું છે.
એટલું જ નહીં એઈમ્સના પૂર્વ ડો.ગોપીચંદ ખીલવાનીએ તો જે લોકોનું સ્વાસ્થ્ય ખરાબ હોય તેઓને શકય હોય તો ડીસેમ્બર અંત સુધી દિલ્હી છોડી જવા પણ સલાહ આપી છે. ગ્રેટર નોઈડા ગઈકાલે દેશનું સૌથી પ્રદુષીત ક્ષેત્ર રહ્યું અને આજે પણ અહીં આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હી એઈમ્સ સહિતની હોસ્પીટલોમાં શ્વાસની બીમારીના દર્દીઓ 30થી 40 ટકા વધી રહ્યા છે. અને લોકોને સતત સાવધાન રહેવા સલાહ આપવામાં આવી છે.
બાળકોના ફેફસાંમાં પ્રદુષણથી 40% જેટલું નુકસાન
ક્ષ ડીપ લંગ તરીકે ઓળખાતા ફેફસાના વિસ્તારમાં 1% પ્રદુષણ જમા થાય તો પણ મોટી બિમારી નોતરે છે
પાટનગર દિલ્હીમાં જે રીતે સતત પ્રદુષણ વધી રહ્યું છે તેને આ મહાનગર અને તેના આસપાસના ક્ષેત્રમાં રહેતા બાળકોની સ્થિતિ અત્યંત ખરાબ કરી છે અને સેન્ટર ફોર રીસર્ચ ઓન એનર્જી એન્ડ કલીન એરના વિશ્લેષક ડો. મનોજકુમારે પીઅર-રીવ્યુના એક અભ્યાસનો હવાલો આપતા કહ્યું કે, બાળકો દ્વારા શ્વાસમાં લેવાયેલ હવામાં 40 ટકા જેટલો હિસ્સો પીએમ 2.5નો હોય છે જે ફેફસાના સૌથી ઉંડા ભાગ સુધી પહોંચીને ત્યાં જમા થઈ જાય તો તેના કારણે બાળકો પર જોખમ વધી જાય છે. ફક્ત 1 ટકા જેટલા પીએમ 10 પહોંચે તો પણ પરિસ્થિતિ ખરાબ બને છે કારણ કે નાના બાળકોના ફેફસા હજુ વિકાસ થઈ રહ્યા હોય છે તેની શ્વાસ નળીઓ સાંકળી હોય છે જેથી બાળકને આ પ્રકારનું પ્રદુષણ એ થોડા જ સમયમાં મોટી અસર કરે છે.



