ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓ ચાલવા માટે યોગ્ય નથી. ભુગર્ભ ગટરનાં કામને લઇ રસ્તા ખોદી નાખવામાં આવ્યાં છે. વરસાદ થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તાનાં કામોને લઇ કોંગી ધારાસભ્યએ કહ્યું કે, હું 2 કરોડની ગ્રાન્ટ લાવ્યો હતો અને લોક ભાગીદારીથી કામ કરવાની દરખાસ્ત કરી હતી. પરંતુ આ દરખાસ્ત મનપાની સ્થાયી સમિતીએ ફગાવી દીધી હતી. ધારાસભ્યનાં આ નિવેદનથી ભાજપની કામ કરવાની નીતિ પર સવાલ ઉઠ્યાં હતાં. ભાજપની આકરી ટીકા થતા સ્થાતી સમિતીનાં ચેરમેન હરેશભાઇ પરસાણા સામે આવ્યાં હતાં અને ધારાસભ્યનો પત્ર રજુ કરી કહ્યું હતું કે, ખુદ ધારાસભ્યે ગ્રાન્ટની દરખાસ્ત રદ કરવા જાણ કરી હતી.આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જૂનાગઢમાં ભાજપ અને કોંગ્રેસની કીર્તિ દાવ પર લાગી છે અને કીર્તિ બચાવવા બન્ને દાવપેચ રમી રહ્યાં છે. સત્ય એ છે કે, ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય જૂનાગઢની પ્રજાને છેલ્લા 10 વર્ષમાં સારા રસ્તા મળ્યાં નથી. ગટરનું કામ તો એક વર્ષથી શરૂ થયું છે. વર્ષોથી સારા રસ્તા માટે જૂનાગઢની પ્રજા વલખા મારી રહી છે. શહેરમાં સારા રસ્તા બનાવવામાં તમામ નેતાઓ નિષ્ફળ રહ્યાં છે, તે પણ હકીકત છે.
જનઆક્રોશ વધતાં ડેમેજ કંટ્રોલ કરવા ગ્રાન્ટ રદ્દ કરવાનું બહાનું : ભીખાભાઇ જોષી
- Advertisement -
સ્થાયી સમિતીનાં ચેરમને કહ્યું, ધારાસભ્ય ખોટા છે : ધારાસભ્યે કહ્યું, ચેરમેન ખોટા છે
ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ ચેરમેન હરેશભાઇ પરસાણા અને ભાજપ પ્રમુખ પુનિપભાઇ શર્માને પડકાર ફેકતા કહ્યું હતું કે, સ્થાયી સમિતી દ્વારા માત્ર 3 વોર્ડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી. જ્યાં હજુ ગટર કામગીરી કરવાની બાકી છે. જ્યાં ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય એવા વોર્ડનો આ ગ્રાન્ટમાં સમાવેશ ન કરી ભેદભાવભરી નીતિ દાખવામાં આવી છે. હજુ આ 3 વોર્ડમાં ગટર બનતા અંદાજે 8 મહિના જેટલો સમય વ્યતીત થાય તેમ છે. હાલ ત્યાં આ ગ્રાન્ટ બ્લોક થાય તેમ છે. ગટરની કામગીરી ન થાય ત્યાં સુધી જો આ ગ્રાન્ટ બ્લોક થાય તો આ ગ્રાન્ટ વણવપરાયેલી સરકારમાં પરત થાય તેમ છે. આ અંગે તા. 27 મે 2022 ના રોજ ફરી પત્ર લખી ખુલાસો માંગવામાં આવેલ કે વોર્ડ નં. 1, 3, 6, 8, 11ના કામો શા માટે મંજુર કરવામાં નથી આવ્યા ?. આ વોર્ડમાં તો ગટરની કામગીરી થઈ ગઈ છે. ત્યાં સીધા જ સીસી રોડના કામો હાથ ધરી શકાય તેમ છે. પરંતુ સ્થાયી સમિતીમાં કોઈ જ નિર્ણય ન લેવામાં આવ્યો. જેથી ન છૂટકે અમારે આ 3 વોર્ડની ગ્રાન્ટ રદ કરવાની ફરજ પડી.બાદમાં મીડિયામાં આ મુદ્દો ઉઠ્યો અને જનઆક્રોશ વધવા લાગ્યો ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા અમારા દ્વારા આ ગ્રાન્ટ રદ કરવાનું બહાનું આગળ ધરવામાં આવ્યું છે અને ફરી વિનંતી છે કે, હજુ કાંઈ બગડી નથી ગયું. સ્થાયી સમિતીમાં તમામ વોર્ડનાં કામો મંજુર કરી આપશો.
- Advertisement -
ધારાસભ્યની કોઇ દરખાસ્ત નામંજુર કરવામાં આવી નથી : હરેશભાઇ પરસાણા
રસ્તાની ગ્રાન્ટ મુદ્દે ભાજપ અને કોંગી ધારાસભ્યની જાહેરમાં સ્પષ્ટતાઓથી ભારે ચર્ચા
મનપાનાં સ્થાયી સમિતીનાં ચેરમેન હરેશભાઇ પરસાણાએ કહ્યું હતું કે, સ્થાયી સમિતી દ્વારા ધારાસભ્યનાં કોઇપણ કામોને નામંજુર કરવામાં આવ્યા નથી કે દરખાસ્ત,રજુઆતની અવગણના કરવામાં આવી નથી. સાડા ચાર વર્ષથી ભીખાભાઇ જોષી અહીં ધારાસભ્ય છે. પોકળ દાવાઓ ખુબ જ થયા છે. પરંતુ એક પણ નકકર કામ થયું નથી. જૂનાગઢમાં સરકારની જનભાગીદારી 70:20:10 યોજના ચાલુ છે. જૂનાગઢનાં વોર્ડ નંબર 1, 2, 4, 6, 8, 11, 13 અને 15માં સીસી રોડ સહિતનાં કામગીરી માટે ધારાસભ્યએ 2 કરોડની ગ્રાન્ટમાંથી લોકભાગીદારી માટે કામ સુચવ્યાં હતાં. પરંતુ આ કામનાં આયોજન માટે સ્થાયી સમિતીની બેઠક મળે તે પહેલા પત્ર લખી આ કામો રદ કરવા કહ્યું હતું. લોકોનાં કામ અટકે નહી તે માટે તાત્કાલીક કોર્પોરેટરની ગ્રાન્ટ ફાળવી અને પ્રજાનાં હીતમાં કામ મંજુર કર્યા હતાં. ધારાસભ્યનાં કામનો નામંજુર કરવામાં આવ્યાં જ નથી. માત્રને માત્ર રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્યનો આક્ષેપ પાયા વિહોણા છે. લોકોને ગેરમાર્ગે દોરનાર છે.ધારાસભ્યે જૂનાગઢમાં કયું વિકાસનું કામ કર્યું છે ? તે મારો સવાલ ધારાસભ્યને છે.