1.69 લાખ બાળકોને પોલિયો વિરોધી રસી અપાશે
925 રસીકરણ બુથ ઉપર 1,722 ટીમો, 185 મોબાઈલ ટીમો સજજ રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટાપાયે ગ્રસિત કરી બેઠાં છે. સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. જન્મતાં જ બી.સી.જી.ની રસીથી લઈ નૂરબીબી, ઓરી,અછબડા, મગજના તાવ, ગંભીર લીલા ઝાડ અને ન્યુમોનિયાની રસી જેવા બાળકોના જીવના દુશ્મન જેવા તમામ રોગની રસી પણ સરકાર નિ:શુલ્ક પૂરી પાડે છે ત્યારે આ રસીઓમાં પોલિયોની રસીની ઝુંબેશને કેમ ભૂલી શકાય? આગામી 23 જૂનના રાજકોટમા પોલિયો રવિવારે 1.69 બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે.
મોટાભાગના લોકોમાં તેના કોઈ આગોતરા લક્ષણો જોવા મળતા નથી પરંતુ, કેટલાક લોકો લકવાગ્રસ્ત થઈ જાય છે. રસીઓ પહેલા હજારો લોકો આ રોગચાળો ફાટી નીકળતાં લકવાગ્રસ્ત થતાં હતા. આજે જંગલી પોલિયો વાયરસ પ્રકાર-2 અને 3 નાબૂદ થઈ ગયા છે પરંતુ, પ્રકાર-1 હજુ પણ વિશ્વના કેટલાક ભાગોમાં અસ્તિત્વ ધરાવે છે. પોલિયોને રોકવા માટે રસીકરણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પોલિયોનો કોઈ ઈલાજ નથી. સ્વચ્છતાનો અભાવ આ વાયરસને જન્મ આપે છે. જે સંક્રમિત પાણી, ખોરાક કે વ્યક્તિના ચેપ લાગવાથી ફેલાય છે. પોલિયો વાયરસ તમારા મોં કે નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. ગળા અને આંતરડામાં ફેલાય છે. કેટલાક કિસ્સાઓમાં, તે મગજ અને કરોડરજ્જુમાં પ્રવેશ કરે છે અને લકવાનું કારણ બને છે. લકવો હાથ, પગ અથવા શ્વાસને નિયંત્રિત કરતા સ્નાયુઓને અસર કરી શકે છે.
- Advertisement -
પુખ્ત વયના લોકોને પણ પોલિયો થઈ શકે છે. જે પુખ્ત વયના લોકોને અગાઉ રસી આપવામાં આવી નથી તેઓ પોલિયો વાયરસના સંપર્કમાં આવે તો તેમને પોલિયો થઈ શકે છે. આજે પણ વિશ્વના કેટલાક ભાગોમાં પોલિયોના કેસ છે. જ્યારે અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે, ત્યારે પોલિયોને નાબૂદ કરવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસો હજુ પણ ચાલુ છે. આજે વિશ્વમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પોલિયોના કેસ જોવા મળ્યા છે. ત્યારે આપણા પાડોશી દેશોમાં તેના કેસ જોવા મળતા આપણને ગાફેલ રહેવુ ન પાલવે. વિશ્વના ઘણા ભાગોમાં લક્ષણો સાથેનો પોલિયો હવે જોવા મળતો નથી. વિશ્વવ્યાપી રસીકરણ કાર્યક્રમોને કારણે મોટાભાગના દેશોમાં પોલિયો નાબૂદ માનવામાં આવે છે. પોલીયો હવે તે વિસ્તારમાં ફેલાતો નથી પરંતુ જ્યારે લોકો રસી લેવાનું બંધ કરે છે ત્યારે પોલિયો ફરીથી ફેલાવવાનું શરૂ કરી શકે છે. આ માટે સમયાંતરે પોલિયો ઝુંબેશ દ્વારા સમૂહ રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે.
આગામી તા.23 જૂનના રોજ રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે 1,69,982 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે ભારત સરકાર દ્રારા તા. 23 જુનના રોજ રાજકોટ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય/નગરપાલિકા વિસ્તારોમાં 5 વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના 1,69,982 બાળકોને રસી આપવા માટે 925 રસીકરણ બુથ તેમજ 1,722 રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો ફરજ નિભાવશે. તમામ આયોજનના અસરકારક અમલ માટે 186 સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે 185 મોબાઇલ ટીમો અને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે 46 ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.



