થર્ટી ફર્સ્ટ અંતર્ગત જિલ્લા પોલીસનો એક્શન પ્લાન તૈયાર, જિલ્લામાં 8 ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ કલોલ સ્ટાફ રહેશે ખડેપગે
ખાસ-ખબર સંવાદદાતા
થર્ટી ફર્સ્ટ અંતર્ગત રાજકોટ રૂરલ પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ફાર્મ હાઉસ, હોટેલો, પાર્ટી પ્લોટમાં મંડાતી મહેફિલો પર ગ્રામ્ય પોલીસ ખાસ ચાંપતી નજર રાખશે અને નશામાં ડમડમ થઈને નીકળતા નબીરાઓને પકડવા તેમજ દારૂની મહેફીલો અટકવવા રૂરલ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્ક્વોડ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ ટ્રાફીક શાખાની અલગ-અલગ ટીમો બનાવી અસરકારક કામગીરી જિલ્લા એસપીના વડપણ હેઠળ કરવામાં આવશે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ 31 ડિસેમ્બર અને ન્યુ યરના તહેવારની ઉજવણી દરમિયાન ફાર્મ હાઉસો, હોટેલો, ગેસ્ટહાઉસો, વગેરે સ્થળે દારૂની મહેફીલો થતી હોય કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે અલગ-અલગ ટીમો બનાવી ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવા ખાસ સૂચના આપવામાં આવી છે. 31મી ડીસેમ્બરના બંદોબસ્ત માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની જિલ્લામાં 25 શી ટીમો બનાવવામાં આવી છે તેમજ જિલ્લામાં કુલ 8 જગ્યાએ ચેક પોસ્ટ શરૂ કરવામાં આવી છે જે ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ કલોક પોલીસ સ્ટાફ હાજર રહેશે બીજા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે ઉદ્દેશથી 62 પોલીસ અધિકારીઓ, 1080 જવનાઓ તથા હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ આ બંદોબસ્તમાં પોતાની રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે.