ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા થયા કાર્યરત
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.11
- Advertisement -
કેન્દ્રીય ચુંટણીપંચ દ્વારા ગત તા. 16 માર્ચથી ચુંટણીની આચારસંહિતા અમલી બની ગઈ છે ત્યારે સાબરકાંઠા પોલીસ તંત્ર દ્વારા ચુંટણીનું સરળ સંચાલન અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે આશયથી પોલીસ તંત્ર દ્વારા 10 આંતર રાજય ચેકપોસ્ટ કાર્યરત કરી દેવામાં આવી છે. તમામ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત અનેક પગલા લેવાઈ ચુકયા છે.
આ અંગે જિલ્લા પોલીસવડા વિજય પટેલના માર્ગદર્શન હેઠળ તા.13 માર્ચ ર0ર4થી આચારસંહિતા અમલી બની છે ત્યારે તે દિવસે 10 આંતર રાજય ચેકપોસ્ટ શરૂ કરી દેવામાં આવી હતી જયાં રાઉન્ડ ધ કલોક જવાનો ફરજ બજાવી રહયા છે. તમામ ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા કાર્યરત હોવાને કારણે હીલચાલ કેમેરામાં અંકિત થઈ રહી છે. એટલુ જ નહીં પણ આચારસંહિતા અમલી બની તે દિવસથી અત્યાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા 63 પ્રોહીબીશનના કેસ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લામાંથી અંદાજે રૂ.4.35 લાખનો 1345 લીટર દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. સાથો સાથ અત્યાર સુધી 1272 બિનજામીન પાત્ર વોરંટની બજવણી કરી દેવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા 1265 હથિયારો જમા લેવામાં આવ્યા છે. તેજ પ્રમાણે પોલીસ તંત્ર દ્વારા દેશી દારૂના અંદાજે 662 કેસ કરાયા છે.
જે અંતર્ગત અંદાજે 3018 લીટર રૂ. 60360 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. વિદેશીદારૂના 54 કેસ કરી અંદાજે રૂ.893560 ની કિંમતની 5040 બોટલ પકડી પાડવામાં આવી છે. સાથો સાથ આદર્શ આચારસંહિતાના કડક અમલના ભાગરૂપે સાબરકાંઠા પોલીસ દ્વારા 06 ટીમો બનાવી વિવિધ રાજયોમાં મોકલી અપાઈ હતી જે મુજબ નાસતા ફરતા પૈકી 86 શકમંદોને પોલીસે ઝડપી લીધા છે ઉપરાંત રાજસ્થાનના 34 ગુનેગારોને પકડવા માટે અસરકારક કામગીરી કરાઈ રહી છે અને અત્યાર સુધીમાં પોલીસ ત્રણ ગેરકાયદે હથિયારો જપ્ત કર્યા છે.