વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ સિરામિક કોન્ટ્રાક્ટરો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામિક એકમોમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા હોય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એસ્યોર મોરબી એપમાં તમામ શ્રમિકોનું ફરજીયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનો હુકમ કર્યો હોવા છતાં લેબર કોન્ટ્રાક્ટરો દ્વારા કાયદાનું પાલન ન કરવામાં આવતા ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ લેબર કોન્ટ્રાકટર વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે જીલ્લા મેજિસ્ટ્રેટના એશ્યોર મોરબી એપના અમલીકરણ મામલે વાંકાનેર તાલુકાના લાકડધાર રોડ ઉપર આવેલ સદભાવ સીરામિકમાં ચેકીંગ કરતા લેબર કોન્ટ્રાકટર કિરીટસિંહ મહિપતસિંહ તુવાર દ્વારા એશ્યોર મોરબી એપમાં પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવામાં ન આવ્યું હોવાનું સામે આવતા આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત લાકડધાર રોડ ઉપર આવેલ લેમ્બ સિરામિક કારખાનામાં ચેકીંગ દરમિયાન સોનુકુમાર શિવન યાદવે પણ એશ્યોર મોરબી એપમાં પરપ્રાંતીય શ્રમિકોનું રજિસ્ટ્રેશન નહીં કરવાની સાથે શ્રમિકોના આધાર પુરાવા ન રાખ્યા હોવાથી જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે માટેલ ઢુવા રોડ ઉપર આવેલ ઈટકોસ ગ્રેનિટો સીરામીક કારખાનામાં લેબર કોન્ટ્રાકટર શૈલેષ ધનજી ડાકા (રહે. હડમતીયા) એ પણ પરપ્રાંતીય શ્રમિકને કામે રાખી આધાર પુરાવા નહીં મેળવી એશ્યોર મોરબી એપમાં રજિસ્ટ્રેશન નહીં કરાવતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરવામાં આવી હતી.